Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અમદાવાદમાં સતત હળવા વરસાદી ઝાપટાઓનો દોર

વરસાદી માહોલ રહેતા વાતાવરણ રંગીન રહ્યું : મેટ્રો કામના કારણે ઘણા વિસ્તારમાં રસ્તા તુટી જતાં હવે લોકોને વરસાદમાં મુશ્કેલી : દુર્ઘટનાઓનો ખતરો વધ્યો

અમદાવાદ, તા.૨ : અમદાવાદ શહેરમાં વરસાદી  માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. દિવસમાં નિયમિત ગાળામાં હળવા વરસાદી ઝાપટા જારી રહ્યા હતા જેના પરિણામ સ્વરુપે વાતાવરણમાં ઠંડક રહી હતી. અમદાવાદમાં હળવો વરસાદ જારી રહે તેવી શક્યતા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાનો દોર જારી રહી શકે છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હતું. આજે શહેરમાં નિયમિત ગાળામાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ. શહેરમાં  વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની સતત મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મોડી રાતથી  હળવાથી ભારે વરસાદના ઝાપટાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ થયા હતા.

વરસાદના છૂટાછવાયા ઝાપટાંના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારમાં મોડી સાંજે વરસાદથી ટ્રાફિકજામની સ્થિતિ પણ જોવા મળી હતી. શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, બોપલ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ, સાબરમતી અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ હળવાથી ભારે વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના  ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારસુધીમાં ૬૪થી વધુ ભુવાઓ પડી ચૂકયા છે તો, ખાડાઓ પડવાની અને રસ્તાઓ ધોવાણ થઇ ગયા હોવાની સંખ્યાબંધ ફરિયાદો છે. ખરાબ રસ્તાઓના કારણે પાણી ભરાવવાથી દુર્ઘટના થવાના ખતરા પણ દેખાઈ રહ્યા છે.

(9:15 pm IST)