Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા શ્રદ્ધાળુ પૂર્ણ સુસજ્જ

દ્વારકા, ડાકોર, શામળાજી મંદિરો શણગારાયા : શહેરના સોલા ભાગવત, ઇસ્કોન અને ભાડજના હરેકૃષ્ણ મંદિર સહિતના કૃષ્ણમંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટશે

અમદાવાદ, તા.૨ : આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો પવિત્ર એવો જન્માષ્ટમીનો તહેવાર હોઇ શ્રધ્ધાળુ ભકતોમાં એક અનેરો ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. જાણે સૌકોઇ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનને ઉજવવા અને તેના વધામણાં કરવા તલપાપડ બન્યા છે, જન્માષ્ટમીના આગલા દિવસ એટલે કે, આજે સાતમના દિવસથી ઇસ્કોનના શ્રીકૃષ્ણ મંદિરોમાં તો, જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી શરૂ થઇ ગઇ હતી પરંતુ ખરો માહોલ તો શ્રીકૃષ્ણ મંદિરોમાં આવતીકાલે જામશે. આવતીકાલે શહેર સહિત રાજયભરમાં જન્માષ્ટમીની ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ ડાકોર, દ્વારકા અને શામળાજીમાં તો શ્રીકૃષ્ણ જન્મોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે કે જયાં આવતીકાલે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટશે. તો, બીજીબાજુ, શહેરના સોલા ભાગવત ખાતેના રસરાજપ્રભુજીના મંદિર, ઇસ્કોન ખાતે રાધાકૃષ્ણ મંદિર, ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણમંદિરોમાં કૃષ્ણજન્મોત્સવને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડાકોરના સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરમાં આવતીકાલે જ્ન્માષ્ટમીના તહેવારને લઇ રાત્રે ૧૨-૦૦ વાગ્યે ભગવાન રણછોડરાયજીને પંચામૃત સ્નાન કરાવાશે, ત્યારબાદ તેમને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્ભુત સાજ શણગાર કરાશે. આવતીકાલે રણછોડરાયને ખાસ રત્નજડિત મોટો મુગટ પહેરાવાશે. એ પછી લાલાને સોનાના પારણે ઝુલાવવામાં આવશે. આવતીકાલે આખી રાત શ્રધ્ધાળુ ભકતો માટે ડાકોરનું રણછોડરાયજીનું મંદિર ખુલ્લું રહેશે. એ પછી મંગળવારે વહેલી પરોઢે પાંચથી ૫-૩૦ મહાભોગની આરતી થશે અને નોમનો પવિત્ર દિવસ હોઇ લાલાને પારણામાં ઝુલાવવાની સાથે ૧૨-૩૦ વાગ્યે નંદમહોત્સવની ભવ્ય ઉજવણી થશે. દરમ્યાન દ્વારકા મંદિરના તીર્થપુરોહિત ત્રિલોચનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, જગપ્રસિધ્ધ દ્વારકા ખાતે આવતીકાલે સવારે આઠ વાગ્યે દ્વારકાધીશજીને ખુલ્લા પડદે પંચામૃત સ્નાન કરાવાશે જે આખા વર્ષમાં જન્માષ્ટમીના એક જ દિવસે ખુલ્લા પડદાની સ્નાનવિધિ હોય છે. ત્યારબાદ આરતી અને દર્શન, સવારે ૧૧-૦૦ વાગ્યે શૃંગાર આરતી, બપોરે ૧૨-૦૦ વાગ્યે રાજભોગ, સાંજે પાંચ વાગ્યાથી દર્શન, સંધ્યા આરતી સહિત નવ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જયારે આવતીકાલે રાત્રે ૧૨.૦૦ વાગ્યે દ્વારકાધીશજીની આરતી ઉતારી સામે દેવકીમંદિરમાં જ્ન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે. દ્વારકા મંદિરમાં દ્વારકાધીશજી(ઠાકોરજી)ને જન્માષ્ટમીને લઇ વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીને લઇ રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. બીજા દિવસે નોમના પારણાંમાં લાલાને ઝુલાવવામાં આવશે. આ જ પ્રકારે શામળાજી મંદિરમાં પણ જન્માષ્ટમીના તહેવાર અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે શામળિયા ઠાકરને ભવ્ય સાજ શણગારથી સજાવવામાં આવશે. ડાકોર, દ્વારકા અને શામળાજી ત્રણેય મંદિરોને ઝળહળતી રોશનીઓ, ફુલ-હાર, આસોપાલવ તોરણો અને અનેક આકર્ષણોથી સજાવવામાં આવ્યા છે.  આવતીકાલે જન્માષ્ટમીના તહેવારને લઇ સોલા ભાગવત ખાતેના રસરાજપ્રભુના મંદિર, ઇસ્કોન, ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ ખાતેના વલ્લભસદન સહિતના કૃષ્ણ મંદિરોમાં પંચામૃત સ્નાન, આરતી, ભવ્ય શૃંગાર, પારણાં અને બીજા દિવસે નંદ મહોત્સવ સહિતના ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જન્માષ્ટમીના તહેવાર નિમિતે શહેર સહિત રાજયભરના તમામ કૃષ્ણમંદિરો સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. આવતીકાલે સમગ્ર દિવસ દરમ્યાન અને રાતભર કૃષ્ણમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ભારે પડાપડી કરશે. કૃષ્ણમંદિરો આવતીકાલે જય રણછોડ, માખણચોર, નંદ ઘેર આનંદ ભયો, જન કનૈયાલાલ કી, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે ને ભકિતનારાઓથી ગુંજી ઉઠશે. શહેર સહિત રાજયભરમાં જન્માષ્ટમીને લઇ જાણે શ્રીકૃષ્ણ ભકિતનો માહોલ છવાયો છે.

(7:44 pm IST)