Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સરકારની 'વીજળિક' કામગીરી ! છેલ્લા બે વર્ષથી કૃષિના જોડાણની ૧,૩પ,૯ર૩ અરજીઓ પડતર

રાજકોટ જિલ્લામાં ૧૦૪૧૭ અરજીઓ આવી, રપ૬૪ અરજીઓ પડતર

ગાંધીનગર, તા. ૩ : રાજય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. રાજયમાં ઓછી માંગના સમયે બહારના રાજયોમાં વીજ વેચાણ કરે છે અને વીજ મથકોનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી રાજયમાંની કૃષિ સહિતની તમામ પ્રકારની વીજ માંગને પૂરી કર્યા બાદ વીજળી વેચવામાં આવે છે, પરંતુ જો રાજય સરકારનો દાવો સાચો હોય અને વીજ કનેકશનોની માંગ સંતોષી હોય તો કોઇ વીજ કનેકશનોની માંગણી પડતર રહેવી ન જોઇએ. રાજયના ૩ર જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં કૃષિવિષયક વીજ કનેકશન મેળવવા ૧,૩પ,૯ર૩ અરજીઓ પડતર છે, તેમાં બે વર્ષ સુધીની ર૭,પ૮૧ પડતર છે અને બે વર્ષ કરતા વધુ સમયથી ૧,૭૯૮ અરજીઓ પડતર છે, ત્યારે અન્ય રાજયોમાં વીજળી વેચવાને બદલે ખેડૂતોને ખેતી માટે વીજ કનેકશન તાત્કાલીક આપે તેવી માંગણી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ધારાસભામાં પૂછેલા સવાલના જવાબના આધારે પડતર વીજ જોડાણોની માહિતી સંકલિત કરી છે.

રાજકોટ જિલ્લામાં ખેતી માટે વીજ જોડાણની આવેલ અરજીઓ અંગે કોંગ્રેસના લલિત વસોયાના એક પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-પ-૧૯ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી કુલ ૧૦૪૧૭ અરજીઓ વીજ અરજીઓ આવી છે. આ પૈકી છેલ્લા બે વર્ષથી રપ૬૪ અરજીઓ પડતર છે.

આ અરજીઓના નિકાલ માટે નિયમિત ખેતી વિષયક વીજ જોડાણ આપવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રતિ વર્ષ માળખાગત સુવિધા વીજ વિતરણ વ્યવસ્થા અને વીજ તંત્ર પર પડતર બોજો ઉપરાંત યોજનાવાર નાણાકીય આયોજનને ધ્યાને લઇને વીજ જોડાણ આપવાનું આયોજન કરવામાં આવતું હોય છે આમ ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણો આપવામાં વીજ પ્રવહન અને વીજ વિતરણએ તબક્કાઓ ઉપરાંત નાણાકીય પરિબળ મહત્વનું કોઇ તમામ બાબતે ધ્યાને લઇ તબક્કાવાર નિકાલ કરવામાં આવશે.

(4:00 pm IST)