Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

અમદાવાદ : બે વર્ષમાં ૫.૧૯ લાખથી વધારે વાહન ઉમેરાયા

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વધુ ગંભીર : શહેરમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતના અંગત વાહનો અને કોમર્શીયલ વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી છે

અમદાવાદ,તા. ૩ : અમદાવાદ શહેર વિકાસની દૃષ્ટિએ સતત હરણફાળ ભરી રહ્યું છે. શહેરમાં આશરે ૬પ લાખની વસ્તી હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટનું કદ ગોવા કે ઉત્તર-પૂર્વનાં રાજ્ય કરતાં વધુ છે. બીજી તરફ એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ જેવી જાહેર પરિવહનની સેવા નાગરિકો માટે એક અથવા બીજા કારણસર ખાસ ઉપયોગ બની ન હોઇ વધુ ને વધુ લોકો પોતાનાં અંગત વાહન વસાવી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત કુલ પ.૧૯ લાખ વાહન ઉમેરાયાં છે. આ સાથે શહેરમાં તમામ વાહનોની સંખ્યા ૪૧ લાખ પહોંચી ગઈ છે. અત્યારે ઠેર ઠેર પિક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો ત્રાસી ઊઠ્યા છે, પરંતુ જે ગતિથી ખાનગી વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોતાં આગામી પાંચ વર્ષમાં ટ્રાફિકનો પ્રશ્ન વધુ ને વધુ જટિલ બનશે. કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ માટે ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગનો પ્રશ્ન ઉકેલવો અઘરો બનશે.      મ્યુનિસિપલ તંત્રના ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના સ્માર્ટ અમદાવાદના સૂત્ર હેઠળના બજેટમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ખાસ ભાર મુકાયો છે. અત્યારે શહેરમાં ઇન્કમટેક્સ, અંજલી ચાર રસ્તા, વિરાટનગર, અજિત મિલ, નરોડા, સિમ્સ હોસ્પિટલ પાસે અને રાજેન્દ્રપાર્ક એમ સાત જગ્યાએ રૂ.પર૦.૯૦ કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તંત્રે રૂ.૩ર૭.૮૮ કરોડના ખર્ચે પલ્લવ ચાર રસ્તા, સતાધાર ચાર રસ્તા સહિત ચાર જગ્યાએ નવા બ્રિજ પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. ફાટકમુક્ત અમદાવાદ હેઠળ અમદાવાદ-બોટાદ રેલવે લાઇનમાં વિભિન્ન રેલવે ક્રોસિંગ ખાતે અંડરપાસ, પેડેસ્ટ્રિયન સબ-વે પ્રોજેક્ટને અમલમાં મુકાયા છે. ઓન સ્ટ્રીટ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ, મલ્ટિ લેવલ પાર્કિંગ, પે એન્ડ પાર્ક વગેરેના આયોજનને પણ મહત્ત્વ અપાયું છે, જોકે જે રીતે અંગત વાહન વધી રહ્યાં છે તેને જોતાં તમામ આયોજન ઓછાં જ પડવાનાં છે. શહેરમાં અંગત વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોઇ વર્ષ ર૦૧૭-૧૮માં ૧.૯૦ લાખ અને વર્ષ ર૦૧૮-૧૯માં ૧.૮૩ લાખ મળીને કુલ ૩.૭૩ લાખ ટુ વ્હીલરનો વ્હિકલ ટેક્સ નાગરિકોએ ભર્યો હોવાનું ખુદ તંત્રના સત્તાવાર આંકડા જણાવે છે, જ્યારે ૧.૧૦ લાખથી વધુ ફોર વ્હીલર પણ રસ્તા પર દોડતાં થયાં છે. અમદાવાદમાં ઓટોરિક્ષાની સંખ્યા પણ સતત વધી રહી હોઇ છેલ્લાં બે વર્ષમાં તેમાં વધુ ર૦,પ૯૭ ઓટોરિક્ષા ઉમેરાઇ છે. અન્ય વાહનોની વિગત તપાસતાં ગત વર્ષ ર૦૧૮-૧૯માં લોડિંગ રિક્ષા, ક્રેન, ટ્રક, મેટાડોરની સંખ્યામાં ક્રમશઃ ૪૮૧ર, ૧૭ર, ર૬૯૩ અને ૬પનો વધારો નોંધાયો હતો. આ તમામ પ્રકારનાં વાહનોના માલિક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજીવન વિહિકલ ટેક્સ ભરવો ફરજિયાત હોઇ તેના આધારે જે તે વાહનની સંખ્યા તંત્રના ચોપડે ચઢી છે. જે તે વાહનની બેઝિક પ્રાઇસના એક ટકાથી લઇ અઢી ટકા સુધીનો વિહિકલ ટેક્સ વસૂલાય છે. વિહિકલ ટેક્સ ભરવાની વ્યવસ્થા સિવિક સેન્ટર તેમજ આરટીઓ ઓફિસના વિહિકલ ટેક્સ કાઉન્ટર પર કરાઇ છે. વિહિકલ ટેક્સનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષમાં મ્યુનિસિપલ તિજોરીમાં પણ વિહિકલ ટેક્સના ખાસ્સા એવા રૂ.૧૮૬.૬૦ કરોડ ઠલવાયા હતા.

 

(8:24 pm IST)