Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

તાઇવાનની ઓઇલ રિફાઇનરી ગુજરાતમાં કરશે રૂ. ૪૧,૬૦૦ કરોડનું રોકાણ

ગુજરાતમાં આવશે વધુ એક વિશ્વની મોટી ઓઇલ રિફાઇનરીઃ વિદેશી કંપનીને મુંદ્રા સેઝ આવ્યો પસંદઃ અદાણી ગ્રુપ સાથે કરી શકે છે જોડાણઃ રાજ્યમાં વધશે રોજગારની નવી તકો

નવી દિલ્હી તા. ૩ : તાઇવાનની પબ્લિક સેકટરની ઓઇલ રિફાઇનરી CPC કોર્પે ગુજરાતમાં રૂ.૪૧,૬૦૦ કરોડના ખર્ચે નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપવા તૈયારી દર્શાવી છે. રાજયના મુંદ્રા સેઝ અથવા પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન(PCPIR) દહેજ ખાતે આ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.

અહેવાલ મુજબ તાઇવાન રિફાઇનરીના ટોપના અધિકારીઓ આ માટે તાજેતરમાં જ ગુજરાત આવી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધી હતી. સૂત્રો મુજબ વિદેશી રોકાણ વધારવું અને વિકાસ સાધવાના હેતું માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ સમગ્ર પ્રોજેકટ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ મેગા પ્રોજેકટ વિશે સરકાર ટૂંક જ સમયમાં જાહેરાત કરી શકે છે. જયારે તાઇવાન સરકારના નાણાં મંત્રાલયે તાજેતરમાં જ ભારતમાં તેમની જાહેરક્ષેત્રની ઓઇલ રિફાઇનરી ઇન્વેસ્ટમેન્ટ કરશે તેવી જાહેરાત કરી છે.

આ રોકાણ અંતર્ગત નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને પેટ્રોકેમિકલ પ્રોડકટ જેવી કે ઈથેલિન અને એરોમેટિકસનું પ્રોડકશન પણ કરવામાં આવશે. જેનાથી ભારતીય માર્કેટની ડિમાન્ડને પહોંચી વળવામાં આવશે.

તાઇવાનની કંપની આ રોકાણ માટે ભારતીય મૂળની પેટ્રોકેમિકલ કંપની સાથે જોડાણ કરવા માગે છે. અહેવાલો મુજબ મુંદ્રા સેઝના હક્ક ધરાવતા ગુજરાતના અદાણી ગ્રુપ સાથે આ જોડાણ થઈ શકે છે.

સમગ્ર મામલે જાણકારી રાખનાર એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'અમે બે લોકેશન અંગે દાખવ્યા હતા જેમાં મુંદ્રા સેઝ અને PCPIR દહેજ સામેલ હત. CPC કોર્પે તે પૈકી મુંદ્રા સેઝને પસંદ કર્યું છે અને હાલ તેઓ પોતાની પાર્ટનર ફર્મ શોધવા માટે અદાણી ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યા છે શકય છે કે બંને કંપનીઓ ટાઇઅપ કરીને સમગ્ર પ્રોજેકટને આકાર આપે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'તાજેતરના વર્ષોમાં ભારત સરકાર પણ તાઇવાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા પ્રયાસ કરી રહી છે. ત્યારે તાઇવાન પણ ભારતમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યું છે. ભારતમાં રોકાણ માટેના સાનૂકુળ વાતવરણને જોતા વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે ત્યારે ગુજરાત તેમનું પ્રમુખ આકર્ષણ રહે છે.'

'ગુજરાત સરકારે રોકાણ વધારવા અને રોજગાર ક્રિએટ કરવાના આશય સાથે કંપનીને પૂર્ણ સહાયરૂપ બનવાની તૈયારી દર્શાવી છે. તાજેતરમાં કચ્છ ખાતે રૂ.૧૫૦૦૦ કરોડના ખર્ચે બનનાર ઇન્ડો-ચાઇના કંપની ક્રોમો સ્ટીલ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.' આ સાથે જ તેમણે ઉમેર્યું કે 'પાછલા થોડાક વર્ષોમાં વિદેશી રોકાણમાં સિંગલ કંપની ઇન્વેસ્ટેન્ટ તરીકે આ સૌથી મોટું રોકાણ છે.'(૨૧.૮)

(9:54 am IST)