Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

નવી ફી કમિટિની રચનામાં હજુ ૧૧ વીક લાગશે

વાલીઓએ ફી મેળવવા રાહ જોવી પડશેઃ નવી કમિટિની રચના અને સમગ્ર પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધીમાં ચાલુ શૈક્ષણિક સત્ર પૂ રું થઇ જાય તેવી શકયતા

અમદાવાદ તા. ૩ : રાજય સરકાર દ્વારા બનાવાયેલી સ્વનિર્ભર શાળાઓ માટેની ફી નિર્ધારણ કમિટીનું હાઇકોર્ટના બે નિવૃત્ત્। જજનો સમાવેશ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, જોકે નવી કમિટીની રચના અને સમગ્ર પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધીમાં ચાલુ શૈક્ષણિક સત્ર પૂરું થઇ જાય તેવી શકયતા છે. શહેરની ૬૦૦થી વધુ ખાનગી શાળાઓ કોર્ટમાં ગઇ હોવાથી તેમની ફીનું ધોરણ નક્કી કરવાનું બાકી છે ત્યારે હવે વાલીઓમાં ફી ભરવા અંગે મંૂઝવણ ઊભી થઈ છે.

આ અંગે શિક્ષણ વિભાગમાંથી સત્તાવાર રીતે કોઈ પણ કશું કહેવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર રાજયની ચાર ઝોનલ કમિટીમાં નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજની જગ્યાએ નિવૃત્ત્। હાઈકોર્ટ જજની નિયુકિત કરવાની રહેશે. ફી જાહેર થવામાં ૧૧ અઠવાડિયાં જેટલો સમય લાગી શકે છે. પહેલા અઠવાડિયામાં નવી ફી નિર્ધારણ કમિટી બનાવવાની રહેશે.

ત્યાર બાદ બે અઠવાડિયાંમાં જ રાજય સરકારે નક્કી કરેલી લદ્યુતમ ફી પ્રાથમિક માટે ૧૫,૦૦૦, માધ્યમિકમાં ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૨૭ હજારમાં કોઈ સુધારો-વધારો કરવાનો હોય તેની રજૂઆત રાજય સરકાર વાલીઓ અને સંચાલકો પાસેથી સાંભળશે. ત્યાર બાદ બે અઠવાડિયાંમાં સરકારે નવી ફી જાહેર કરવાની રહેશે. ત્યાર પછીનાં બે અઠવાડિયામાં શાળા સંચાલકો દરખાસ્ત રજૂ કરશે.

ત્યાર બાદ ચાર અઠવાડિયાં સુધીમાં ઝોનલ કમિટી પ્રોવિઝનલ ફીનું ધોરણ જાહેર કરશે. અત્યારે ગુજરાત સરકારનાં સૂચનોની રાહ જોવાઈ રહી છે. આ મામલો હજુ કોર્ટમાં હોવાથી શાળાઓની ફી બાબતે સુપ્રીમમાં ગયેલી શાળાઓની ફી અંગે ફી નિયમન કમિટીનાં સૂત્રો કશું કહેવા તૈયાર નથી. એક અંદાજ મુજબ માર્ચના અંત સુધીમાં કમિટી વેબસાઈટ પર વસૂલાતી ફી મૂકશે. ૩ મે સુધી આખરી ફી નક્કી થશે.

(9:46 am IST)