Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

એસીબીએ ૭ દિ'માં ૭ લાંચીયાઓને ઝડપ્યાં: રોજ એક કટકીબાજ જાળમાં

પોલીસ ડીપાર્ટમેન્ટે મોખરે રહેવાનો વિક્રમ આ સપ્તાહે પણ યથાવત રાખ્યો : કેશવકુમારના માર્ગદર્શનમાં લાંચ-રૂશ્વત વિરોધી અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે

રાજકોટ, તા. ૨ :. રાજ્યના લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા, બ્યુરોના વડા કેશવકુમારના માર્ગદર્શનમાં લાંચીયાઓ સામે ચાલી રહેલા જંગમાં ગત સપ્તાહે ૭ દિવસમાં ૭ કટકીબાજો ઝડપાય ગયા હતા. સરેરાશ એસીબી દ્વારા રોજ એક લાંચીયાને ઝડપી પાડવામાં આવેલ. પોલીસ તંત્રએ આ સપ્તાહે પણ લાંચમાં દેખીતી રીતે આગળ રહેવાની પરંપરા જાળવી રાખ્યાનું સૂત્રો જણાવે છે.

સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા બાબુભાઈ પટેલ (પંડીત દિનદયાલ ગ્રાહક ભંડાર, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક) સરકારના નિયમ વિરૂદ્ધ વધારાનું અનાજ આપી તે પેટે રૂ. ૧૨૦ જેવી મામુલી રકમ સ્વીકારી ઝડપાયેલ. જ્યારે ગોધરા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા નાનુસિંહ સોલંકી એએસઆઈને જાંબુઘોડા પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં મદદ કરવા માટે રૂ. ૪૫૦૦ની લાંચ લેતા ઝડપી લીધેલ.

વડોદરા શહેર એસીબી પોલીસ દ્વારા આરોપી ઈન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા (પોલીસ સબ ઈન્સ્પેકટર-જવાહરનગર પોલીસ સ્ટેશન)ને પ્રોહીબીશનના ગુન્હામાં મદદગારી કરવા માટે રૂ. ૩૦,૦૦૦ની લાંચ માંગી સ્વીકારવાના આરોપમાં ઝડપી લેવાયેલ. આ આરોપીના અમુક ટેસ્ટ એફએસએલમાં થયા છે, બાકીના ટેસ્ટો કરાવવાની કાર્યવાહી ચાલુ હોવાનું એસીબી સૂત્રોએ જણાવેલ છે.

ભરૂચ એસીબી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી રતિલાલ વસાવા, બીડગાર્ડ ફોરેસ્ટને ચેકપોસ્ટ પરથી લાકડા ભરેલ વાહન પસાર થવા દેવા માટે રૂ. ૧૦૦ની લાંચ સ્વીકારતા ઝડપી લેવામાં આવેલ. આવી મામુલી રકમની સામે એસીબી દ્વારા દાહોદમાં આરોપી ગણપતસિંહ લક્ષ્મણસિંહ બારીયા (પોલીસ કોન્સ્ટેબલ)ને ફરીયાદીના કાકા વિરૂદ્ધ દાખલ થયેલ ગુન્હામાં માર નહી મારવા ૪૦ હજારની લાંચ લેતા ઝડપી લીધેલ.

મહિસાગર એસીબી પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં. ૦૪/૨૦૧૮ના કામે આરોપી આચાર્ય રાજેશકુમાર નાથાભાઈ પટેલને (નાની દેનાવાડ) ફરીયાદીની દિકરીને શિષ્યવૃત્તિ મંજુર કરવા માટે અગાઉ ૫૦૦ લીધેલ અને ૧૦૦ રૂ. બીજા લેતા લાંચના છટકામાં ઝડપાયેલ. હવે નાની રકમની લાંચ નથી લેવાતી તે માન્યતા પણ રૂ.૧૦૦ જેવી મામુલી લાંચ કેસ થતા ખોટી સાબિત થઈ છે.

(3:34 pm IST)