Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

આવતા ૪ થી ૬ દિવસ વરસાદી માહોલ બની રહેશે

ગણેશ મહોત્સવના આયોજકો પંડાલોમાં તાલપત્રી જરૂર નખાવી લેજોઃ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર દ્વારકા નજીક સાયકલોનીક સરકયુલેશન છવાયુ : બંગાળની ખાડીમાં ૧૨ કલાકમાં એક નવુ લો પ્રેશર બનશે : સૌરાષ્ટ્ર - કચ્છમાં બે દિવસ કોઈ - કોઈ સ્થળે ભારે ખાબકે તેવી પૂરેપૂરી સંભાવના

રાજકોટ, તા. ૨ : વરસાદી સિસ્ટમ્સ ફરી સક્રિય બની છે. હાલમાં ઉત્તર - પૂર્વ અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન દ્વારકા નજીક છવાયેલ છે. તેમજ આગામી ૧૨ કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની રહ્યુ છે. ઈન્સેટ તસ્વીર નિહાળીએ તો તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર - કચ્છ ઉપર જબ્બર વાદળોનો ગંજ છવાયેલો જોવા મળે છે.

બે - બે સિસ્ટમ્સ હોય આગામી ચાર થી છ દિવસ વરસાદી માહોલ જળવાઈ રહેશે. સાયકલોનીક સરકયુલેશનની અસરથી સૌરાષ્ટ્ર - કચ્છમાં કોઈ-કોઈ જગ્યાએ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. જયારે નવુ લો પ્રેશર પણ બની રહ્યુ છે જે સૌપ્રથમ સૌરાષ્ટ્ર - કચ્છને અસર કરશે બાદ ગુજરાત તરફ પ્રયાણ કરશે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે ઉત્તર - પૂર્વ અરબી સમુદ્રમાં દ્વારકા નજીક એક સાયકલોનીક સરકયુલેશન છવાયુ છે. મોનસુનટ્રફ પણ નોર્મલથી દક્ષિણ તરફ છે. આ ઉપરાંત ૧૨ કલાકમાં બંગાળની ખાડીમાં એક નવુ લોપ્રેશર બની રહ્યુ છે. આ સિસ્ટમ્સ સૌપ્રથમ સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદ પડશે ત્યારબાદ ગુજરાતમાં અસર કરશે.

દરમિયાન આજથી ગણેશ મહોત્સવ શરૂ થયો છે. શહેરમાં ચોકે - ચોકે ગજાનનદાદાની મૂર્તિની સ્થાપના કરી આરાધના થશે. આ સપ્તાહભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હોય મંડળના આયોજકોએ મંડપ ઉપર તાલપત્રી નખાવવી હિતાવહ છે. તેમજ વરસાદ અગાઉની વ્યવસ્થા પણ કરી લેવા મંડળના આયોજકોને અનુરોધ છે.(૩૭.૮)

(1:27 pm IST)