Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ગૌ-માતા અને ગૌચરના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો છે

ગ્રાન્ટની કામગીરી માત્ર કાગળ ઉપર કરાઈ : નાણાંની ઉચાપત કરનારા સામે તાત્કાલિક પગલાની માંગ ભાજપ સરકારમાં ૨૭૫૪ ગામડામાં ગૌચર નથી : કોંગ્રેસ

અમદાવાદ, તા.૧ : રાજ્યમાં૧૮ જિલ્લા, બે વર્ષમાં ૧૩,૪૩,૭૧,૪૦૧ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબ અને ગૌચરની જમીન વેચાણ અથવા ભાડા પટ્ટે ભાજપ સરકારે આપી દીધી છે. ગો-માતા અને ગૌચરના નામે રૂપિયા ૫૮૦ કરોડનો ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાંની ઉચાપત કરનાર સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા ગુજરાત કોંગ્રેસે માંગણી કરી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા બહુ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે, ભાજપ સરકારના શાસનમાં રાજ્યના ૩૧ જિલ્લાઓના ૨૭૫૪ ગામડામાં બિલકુલ ગૌચર નથી અથવા ગૌચર જમીન ગાયબ બની છે, ત્યારે પશુધન અને પશુપાલકોની હાલત કફોડી બની છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં ગૌચર ડેવલોપમેન્ટ અને ગો-સેવા માટે ૧૦૦ ગામોમાં ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવાની જાહેરાત અન્વયે છેલ્લા ચાર વર્ષ દરમિયાન ગૌચર સુધારણા માટે રૂપિયા ૬૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, પરંતુ આ ગ્રાન્ટની મોટાભાગની કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી છે. 

    વાસ્તવમાં,  બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને હોદ્દેદારોએ આ ગ્રાન્ટનો પોતાના અંગત હેતુ માટે ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાંની ઉચાપત કરી હોઇ આ અંગે તપાસની માંગ કરતા ડો.દોશીએ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન ગો-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરીને અંદાજે ૬૦૦ કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ગૌચરની જમીનોના વિકાસ માટે અને ગો-માતાના રક્ષણ માટે ફાળવવામાં આવેલી, પરંતુ બોર્ડ દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમ્યાન આ ગ્રાન્ટની રકમ ગુજરાતની ૧૮૦ ગ્રામ પંચાયતો અને ૩૮ પાંજરાપોળને મળી કુલ રૂપિયા ૨૦ કરોડ જેવી ગ્રાન્ટ જ વાપરવામાં આવી છે. બાકીના ૫૮૦ કરોડ રૂપિયા કોણ ચાંઉ કરી ગયા? ડો. દોશીએ ઉમેર્યુ કે, જે ગ્રામ પંચાયતોને ગૌચરની જમીનો સુધારવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી. તેમાં પણ મોટા ભાગની પંચાયતો દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવેલી છે. નિયમ મુજબ દરેક ગ્રામ-પંચાયતને પાંચ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટનો ઉપયોગ કરવાની સત્તા હોય છે, તેમ છતાં ગો-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ઘણી બધી ગ્રામ-પંચાયતને ૧૯ લાખથી વધારેની રકમ ફાળવવામાં આવેલી અને એ પણ કોઈ પણ પ્રકારના ટેન્ડર/નિવિદા જાહેર કર્યા વિના. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ૧૮ જિલ્લા, બે વર્ષમાં ૧૩,૪૩,૭૧,૪૦૧ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબ અને ગૌચરની જમીન વેચાણ અથવા ભાડા પટ્ટે ભાજપ સરકારે આપી દીધી છે.

      ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સરકારે તેમના મળતિયાઓને આ જમીન પધરાવી દીધી છે. ભાજપ શાસનમાં પશુપાલન, ગૌરક્ષા માત્ર કાગળ ઉપર અને મતની ખેતી માટે ઉપયોગ કરી રહ્યા છે. ડો. દોશીએ જણાવ્યું હતું કે, ગાયોના નામે મત માંગતી અને ગાયોના નામે રાજકારણ કરતી ભાજપ સરકારમાં રાજ્યના ૩૧ જિલ્લાઓના ૨૭૫૪ ગામડામાં બિલકુલ ગૌચર નથી અથવા શુન્ય ગૌચર છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૫માં ૨૬૨૪ ગામમાં બિલકુલ ગૌચર નહતી અથવા શૂન્ય ગૌચર હતું. વર્ષ ૨૦૧૮માં તે ગામોની સંખ્યા વધીને ૨૭૫૪ થઈ છે. એટલે કે અઢી વર્ષ જેટલા સમયગાળામાં ૧૨૯ ગામોમાંથી ગૌચર ગાયબ થઈ ગયું છે. નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ગૌચર વેચી શકાતું નથી તેમ છતાં ૧૨૯ ગામોમાંથી ૨૦૧૫થી ગૌચરના સંવર્ધન માટેની યોજનાના કરોડો રૂપિયા કયાં ગયા?

ગો-માતા અને ગૌચરના નામે મતો મેળવી છેલ્લા પચીસ વર્ષથી સત્તા ભોગવતી ગુજરાત સરકારના લાંચિયા-બાબુ અને કાર્યકરો, હોદ્દેદારોએ ગો-માતા નામે ફાળવવામાં આવેલા સરકારી નાણાંનું મસમોટું કોંભાંડ આચર્યુ હોવા અંગે અનેક ફરિયાદો છતાં મુખ્યમંત્રી કેમ મૌન છે? એવા ગંભીર સવાલ ઉઠાવી ડો.દોશીએ ગુજરાતની જનતાને જવાબ આપવા ભાજપ સરકાર અને મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો.

(9:57 pm IST)