Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

બોપલ ઘુમા સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં સિઝનનો ૫૩૦મીમી વરસાદ : અમદાવાદમાં પણ ભારે વરસાદ માટેની ચેતવણી જારી

અમદાવાદ, તા. ૧ : અમદાવાદ શહેરમાં પણ જુદા જુદા વિસ્તારમાં આજે મોડી સાંજે હળવો વરસાદ થયો હતો. અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. બીજી બાજુ શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી. અમદાવાદ શહેરમાં હવામાન વિભાગના કહેવા મુજબ હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે જે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે તેમાં ગાંધીનગર અને અમદાવાદનો પણ સમાવેશ થાય છે. આજે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.

    બીજી બાજુ અમદાવાદ શહેરમાં મોનસુન સિઝનમાં હજુ સુધી ૫૩૦મીમી સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત કફોડી બનેલી છે. બીજી બાજુ ભુવા પડવાનો સિલસિલો જારી રહ્યો છે. ભુવા પડવાના લીધે સ્થાનિક લોકોમાં ફરિયાદો પણ ઉઠી રહી છે પરંતુ તંત્ર દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ભુવા પુરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. જો કે, મહાકાય ભુવા પડવાના લીધે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.

(9:46 pm IST)