Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ગુજરાતભરમાં ભારે વરસાદ હજુ જારી : પોરબંદરમાં પાંચ ઇંચ વર્ષા

પોરબંદરના વિવિધ વિસ્તારો ભારે વરસાદથી જળબંબાકાર : વિજળી પડવાના કેટલાક બનાવો : કચ્છમાં વિજળી પડતા એકનું મોત જ્યારે નખત્રાણા વિજળી પડતા સાત લોકો દાઝ્યા : કુતિયાણામાં ત્રણ ઇંચ વરસાદ

અમદાવાદ, તા. ૧ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં જોરદાર વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહ્યો છે. કચ્છમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પોરબંદરમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિજળી પડવાના કારણે એકનું મોત થયું છે. કુતિયાણામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જ્યારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડતા જનજીવનને પણ અસર થઇ છે. કચ્છમાં વિજળી પડતા ૧૪ વર્ષીય સગીરાનું મોત થયું છે. આ ઉપરાંત વિજળી પડવાની અન્ય ઘટનાઓ પણ બની છે. કુતિયાણામાં જોરદાર વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે. અન્યત્ર પણ વિજળી પડવાના બનાવો બન્યા છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. નખત્રાણાના રામપર ગામમાં વિજળી પડતા સાત લોકો દાઝી ગયા છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરતામાં પણ વરસાદ થયો છે. રાણાવાવમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. બનાસકાંઠા, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં વરસાદી માહોલ રહ્યો છે.

      હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પોરબંદરમાં અતિભારે વરસાદ થઇ શકે છે જ્યારે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. જુનાગઢ, ગીરસોમનાથ, દિવમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેને લઇને વરસાદી માહોલ હાલમાં અકબંધ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદનો માહોલ હાલમાં જામેલો રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલના કારણે અનેક જગ્યાઓએ જળાશયોમાં સપાટી વધી ગઈ છે. સાથે સાથે લોકોને રાહત પણ થઇ છે. થોડાક સમય પહેલા ભારે વરસાદના કારણે વડોદરા, સુરત, રાજકોટ, છોટાઉદેપુરમાં નુકસાન પણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં વર્તમાન મોનસુનની સિઝનમાં પુર અને ભારે વરસાદના કારણે ૪૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આજે પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે જળબંબાકાર બની ગયા હતા. ભરુચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળ સ્તરમાં હવે આંશિકરીતે પાણીની સપાટીમાં ઘટાડો થયો છે જેથી તંત્રને પણ રાહત થઇ છે. સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી ૯૫ ટકાથી વધુ સિઝનલ વરસાદ થઇ ચુક્યો છે. સાબરકાંઠાના વડાલી અને બનાસકાંઠા જિલ્લાના ડિસામાં ભારે વરસાદથી જનજીવન ગઇકાલે ખોરવાઈ ગયા બાદ આજે સ્થિતિમાં સુધારો થયો હતો. સાફ સફાઈ ઝુંબેશ તીવ્ર કરાઈ હતી.

(9:45 pm IST)