Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

પાલનપુરના લોકો જેને માતા કહે છે તે લડબી નદીની છાતી ઉપર ગાંધીનગર અને કમલમના ઇશારે ગેરકાયદેસર બાંધકામઃ બનાસકાંઠા જિલ્લાના વિવિધ અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં રેલી-આવેદન

પાલનપુરઃ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાલનપુરના વિવિધ રસ્તાઓ પર ફરીને મેવાણીએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગણી કરી હતી. સાથે તેણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તેમના પ્રશ્નોનું કોઈ સમાધાન લાવવામાં નહીં આવે તો આનાથી દસ ગણી મોટી રેલી કરીને ચક્કાજામ કરવામાં આવશે. મેવાણીએ કહ્યું હતું કે પાલનપુરના લોકો જેને માતા કહે છે તે લડબી નદીની છાતી પર ગાંધીનગર અને કમલમના ઈશારે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે.

મેવાણીએ ખેડૂતો સાથે પાક વીમા યોજનામાં થતી છેતરપિંડી, પાલનપુરમાં લડબી નદીમાં થઈ રહેલા ગેરકાયદે દબાણો, પૂરના અસરગ્રસ્તોનું પુનર્વસન, મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખવા સહિત 12 જેટલા મુદ્દાઓને લઈને કલેક્ટરને રજુઆત કરી હતી.

રેલી અંગે વાતચીત કરતા મેવાણી જણાવ્યું હતું કે, "બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નોને લઈને આજે કલેક્ટરને મળીને આવેદન આપ્યું હતું. લડબી નદીના મુદ્દે છાપાઓ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આટલું છપાયું હોવા છતાં તેના પર ગાંધીનગરના ઈશારે ગેરકાયદેસર બાંધકામ ચાલુ જ છે. બનાસકાંઠાના લોકો લડબીને માતા કહે છે. ગાંધીનગર અને કમલમના ઇશારે લડબીની છાતી પર ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. સાથે અમારી માંગણી છે કે રૂ. 50, 60, 70 લાખમાં ડોક્ટરો તૈયાર કરતી સેલ્ફ ફાયનાન્સ કોલેજો નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વધારે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે. ઘટ ગામે ફાયરિંગમાં માર્યા ગયેલા પાટિદાર પરિવારને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ફરિયાદ છતાં કોઈની ધરપકડ નથી કરવામાં આવી. ગાંધીનગરના રિયલ એસ્ટેટના માફિયાઓએ અને ભ્રષ્ટ જિલ્લા તંત્રએ નક્કી કર્યું છે કે ખેડૂતો, પાટિદારો અને ગરીબ પરિવારોનું સાંભળવું નહીં."

(5:29 pm IST)