Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

વડોદરાની ખાંડેરાવ માર્કેટમાં કોરોનાની ગાઇડલાઇન તોડવા બદલ દસ દુકાનો સીલ કરવામાં આવી

વડોદરા:શહેરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે બજારમાં લોકોની ભીડ ભેગી થાય અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેમજ સલામત અંતર જળવાઈ રહે તે માટે કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા વેપારીઓ અને ધંધાર્થીઓને સતત સૂચના આપવામાં આવે છે. આમ છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. વડોદરા કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી દસ જેટલી દુકાનોને ગઈકાલે સીલ મારી દેવામાં આવી હતી. દુકાનોના વેપારીઓ દ્વારા પોતાનો માલ સામાન દુકાનની બહાર રાખીને દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે માર્કેટમાં આવતા-જતા લોકોને તકલીફ પડતી હતી અને તેના કારણે ભીડ જામતી હતી. વેપારીઓને માલસામાન દુકાનમાં રાખવા અને બહાર નહિ રાખવા સુચના આપી હોવા છતાં પણ તેનો ભંગ કરવાના લીધે ગઈકાલે દિવસ દરમિયાન દસ દુકાનો સીલ કરી દીધી હતી. અને ગાઈડ લાઈન  ભંગ કરવા બદલ નોટિસ પણ આપી હતી . નોટિસમાં ફોજદારી કાર્યવાહી કરવા તેમજ ગાઇડ લાઇનનો અને નક્કી કરેલી શરતોના ભંગ બદલ કબજો પરત લેવાની પણ ચીમકી આપવામાં આવી હતી. જોકે કોર્પોરેશન દ્વારા રૂપિયા 500થી 1000 સુધીનો દંડ લેવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. આજે સવારે 8 દુકાન પાસેથી દંડ તરીકે રૂપિયા 4000 વસૂલ કરાયા હતા. અને દુકાન ખોલવાની છૂટ આપી હતી .સાથે સાથે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સ્પષ્ટ શબ્દોમાં સુચના આપી હતી. હજુ બે દુકાન પાસેથી દંડ વસુલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

(5:05 pm IST)