Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 55 દિવસમાં મ્યુકરમાઇકોસીસના 852 કેસ:456થી વધુ સર્જરી કરાઈ

ડબલ મ્યુટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે કોરોનાની સારવાર બાદ મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો

અમદાવાદ : કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા દેશમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકરમાઇકોસીસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દીઓમાં આ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે.

 અસરગ્રસ્ત દર્દીઓની સર્જરી અને ઇન્જેકશનની સારવાર અત્યંત ખર્ચાળ છે. એક અંદાજ પ્રમાણે મ્યુકરમાઇકોસીસના એક દર્દીની સંપૂર્ણ સારવાર પાછળ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ થતો જોવા મળે છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિસ હોસ્પિટલ માં એપ્રિલ મહીનાથી મે સુધીમાં 55 દિવસમાં 852 જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ આવ્યા છે. જેમાંથી 456 જેટલા દર્દીઓ સર્જરી હાથ ધરવામાં આવી છે.

કોરોનાની પ્રથમ લહેરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 100 જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં વધેલા કોરોનાના કેસ તેમજ વાયરસના ડબલ મ્યુટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે કોરોનાની સારવાર બાદ મ્યુકરમાઇકોસીસ ના કેસમાં વધારો થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું માનવું છે. મ્યુકરમાઇકોસીસ રોગ સામે સામાન્ય તકેદારી અને દેખરેખ રાખવામાં આવે અને રોગ થઇ ગયા બાદ સમયસર સારવાર મેળવવામાં આવે તો ચોક્કસ પણે આ રોગના ગંભીર પરિણામોથી બચી શકાય છે.

(12:43 am IST)