Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

વડોદરાના ચકચારી ભંગારના વેપારીની હત્યા કરનાર બે આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

મુખ્ય બે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડને ત્રણ દિવસના રિમાન્ડ પર

વડોદરામાં થોડા દિવસ પહેલા ભંગારના બે વેપારીઓનુ અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યુ હતુ આ ચકચારી કેસમાં પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આજે પોલીસે બે મુખ્ય આરોપીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતુ.

શહેરના દરજીપુરા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આરોપીને લઇ ગયા હતા અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને ફાર્મહાઉસે પણ લઇ ગયા હતા. હરણીના પીઆઇ સંદિપ વેકરિયાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર ઘટનામાં જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં બે ગાડીઓ કબ્જે કરેલી છે જ્યારે એક ગાડીની શોધખોળ ચાલુ છે. જ્યારે આરોપીને ઝડપી વધુ પુછપરછ ચાલી રહી છે.

વેપારીની હત્યા કરવાના બનાવમાં પકડાયેલા મુખ્ય બે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.જ્યારે,બંનેને મદદરૃપ થયેલા તેમના બીજા બે સાગરીતોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.આજે સવારે પોલીસે આરોપીઓ પાસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં દરજીપુરા ફાયર બ્રિગેડ પાસે સ્ક્રેપનો વેપાર કરતા રાજુનાથ યોગી અને તેના સાળા કૈલાસનાથ યોગીએ ચોરીની બેટરી ખરીદી હોવાની આશંકા રાખી ફોર્ચ્યુનર કારમાં આવેલા ચાર જણામાંથી રાજુ અને બેચર ભરવાડે બંને સાળા બનેવીનું કારમાં અપહરણ કર્યું હતું.નિમેટા પાસેના ફાર્મમાં બંનેને લઇ જઇ માર મારતાં રાજુનાથનું મોત થયું હતું.જેથી તેની લાશ હાલોલ નજીક ફેંકી રાજુ અને બેચર મહારાષ્ટ્ર ભાગી છૂટયા હતા. હરણીના પીઆઇ સંદિપ વેકરિયાએ સમગ્ર બનાવની તપાસ કરી બંને હત્યારાને ડભોઇ નજીકના ઢાબા પરથી ઝડપી પાડયા હતા.

(11:25 pm IST)