Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

સુરતમાં પાંચ વર્ષની બાળકી રમતા રમતા વીટી ગળી ગઈ : અન્નનળીમાં ફસાયેલી વીટીને દૂરબીનની મદદથી બહાર કઢાઈ

.બાળકોને એકલા રમતા છોડી દેતા વાલીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો

સુરત શહેરમાં એક પાંચ વર્ષની બાળકી રમત રમતમાં વીંટી ગળી ગઈ હતી. અને ત્યારબાદ બાળકીને ગળામાં દુખાવો થતાં બાળકી વીંટી ગળી ગઈ હોવાનું પરિવારને જાણ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને તરત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા દૂરબીનની મદદ વડે બાળકીના અન્નનળીમાં ફસાયેલ વીંટીને બહાર કાઢી હતી

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની પાંચ વર્ષે પુત્રી મનસ્વી મંગળવારે રમતા રમતા પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી અને તે અચાનક વીંટી ગળી ગઈ હતી. જેથી બાળકીને ગળામાં દુખાવો શરૂ થઈ જતા તેણે તેના માતા પિતાને આ અંગે જણાવતા પરિવાર ચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને દોડ્યા હતા.

  સિવિલ હોસ્પિટલમાં બાળકીની તપાસ કરતા એક્સ-રેમાં વીંટી અન્નનળીમા ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારબાદ તબીબોએ દૂરબીનની મદદથી એક કલાકની મહેનત બાદ બાકીના અન્નનળીમાંથી વીંટી બહાર કાઢી હતી. બાળકીના અન્નનળીમાં ફસાયેલી વીટી બહાર નીકળતા પરિવાર અને ડોક્ટરોએ રાહતનો શ્વામ લીધો હતો.અને હાલ બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ સુરતમાં રમતા રમતા એક બાળક રૂપિયાનો સિક્કો ગળે ગયો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે હવે આ બાળકી વીંટી ગળી ગઈ હતી સતત સામે આવતી આ પ્રકારની ઘટનાઓ બાદ વાલીઓએ સજાગ રહેવાની જરૂર છે. ઘણી વખત વાલીઓ પોતાના સંતાનોને રમતા મૂકી પોતે કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે ત્યારે આવા વાલીઓ સામે આવી રહેલા આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે

(11:21 pm IST)