Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

હવે અંકલેશ્વરના 20 કિમી વિસ્તારમાં બે ટાઈમ 4 કલાક સફાઈ અભિયાન દૈનિક હાથ ધરાશે.

માય લિવેબલ ભરૂચની અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા આ યોજના અંકલેશ્વરમાં પણ અમલમાં મૂકી

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામા GIDCમાં એ.આઈ.એ હોલ ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી. શહેરના 20 કિલોમીટર વિસ્તારમાં યોજના અમલમાં આવશે.

ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચની અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ હવે વહીવટી તંત્ર આ યોજના અંકલેશ્વરમાં પણ અમલમાં મૂકી રહ્યું છે. જેનો આગામી 4 માર્ચથી અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતેથી અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રારંભ કરાવશે.

યોજનાના અમલ પૂર્વે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ અંકેલેશ્વર જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર દ્વારા બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝના એચ.આર. અને સી.એસ.આર પ્રવૃતિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ભરૂચની જેમ અંકલેશ્વરને લિવેબલ અંકલેશ્વર કેવી રીતે બનાવી શકાય અને તેનો સફળ અમલ કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. યોજનામાં ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા સ્પષ્ટ કરી સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા હાકલ કરી હતી.

આ બેઠકમાં અંકલેશ્વર પ્રાંત અધિકારી નતિષા માથુર, મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુંભાઈ ચૌધરી વગેરે ઔધોગિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. MY Loveable ભરૂચ હેઠળ 40 કિમીના માર્ગની દિવસમાં 2 વખત 4 કલાક 200 કામદારો સફાઇ કરે છે. જેનો મહિનાનો ખર્ચ 35 લાખ છે. એ જ રીતે અંકલેશ્વરના 20 કિમી વિસ્તારમાં બે ટાઈમ 4 કલાક સફાઈ અભિયાન દૈનિક હાથ ધરાશે.

માય લીવેબલ ભરૂચ–સી એસ આર પહેલનો વ્યાપ વિસ્તારીને હવે જિલ્લા વહીવટી તંત્ર તાલુકા કક્ષાએ અમલમાં મૂકવા જઈ રહ્યું છે. માય લિવેબલ અંકલેશ્વર બાદ માય લિવેબલ આમોદ અને માય લિવેબલ જંબુસર જેવા આયામો અમલમાં મૂકીને જિલ્લાના નાગરીકોને સાચા અર્થમાં માય લીવેબલની ભરૂચની સંકલ્પના સાકાર કરવા જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નો કરી રહ્યું છે.

(11:01 pm IST)