Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

રાજ્‍યભરમાં ગાજેલા કાંડમાં નકલી પીએસઆઇ ડભોઇનો મયુર તડવી ૧૦મી સુધી રિમાન્‍ડ પર

ભેજાબાજ મયુરે ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી નકલી દસ્‍તાવેજો અને કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં તાલીમ લેવા માંડયો હતો

ગાંધીનગર તા. ૨: અહિના પોલીસ તાલિમ કરાઇ એકેડેમીમાંથી પીએસઆઇની તાલિમ લઇ રહેલો મયુર તડવી નામનો બોગ સભ્‍ય ઝડપાઇ ગયા બાદ હોબાળો મચી ગયો હતો. આ મામલે ડભોડા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એલસીબીએ તપાસ હાથ ધરી નકલી પીએસઆઇ બની તાલિમ લેવા પહોંચી ગયેલા મયુર તડવીની ધરપકડ કરી હતી.  તે ખોટા ડોક્‍યુમેન્‍ટને આધારે કરાઇ એકેડેમીમાં છેલ્લા ઘણા સમયથી તાલિમ લઇ રહ્યો હતો. તેને ૧૪ દિવસના રિમાન્‍ડ માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. અદાલતે ૧૦મી માર્ચ સુધીના રિમાન્‍ડ મંજુર કરતાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં આવેલી પોલીસ તાલીમ કરાઈ એકેડમીમાંથી પીએસઆઇની ટ્રેનિંગ લેતો મયુર તડવી નામનો બોગસ કેન્‍ડીડેટ ઝડપાયો હતો. મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્‍ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઉમેદવાર વિશાલ તેરસિંગભાઈ રાઠવાના સ્‍થાને મયુરે પોતાનું નામ મયુર લાલજીભાઇ તડવી યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્‍ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડવીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો.

કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્‍યું હતું કે પોતે તપાસમાં કોઈપણ સ્‍તરે સહકાર આપવા તૈયાર છે.  એ પછી તપાસ થઇ હતી ગુનો દાખલ થયો હતો. મયુર તડવીએ ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી. ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્‍યો હતો. ધરપકડ બાદ મયુરના ૧૪ દિવસના રિમાન્‍ડ મંજુર થતાં આગળ તપાસ થશે. મયુરના કોઇ અન્‍ય ટોળકી સાથે સંબંધ છે કે કેમ? તેની તપાસ થશે. પગાર બિલ બનાવતી વખતે મયુરનો રેકોર્ડ સામે આવ્‍યો હતો. જેમાં મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સબંધની પણ તપાસ થશે. આ કોૈભાંડની માહિતી વદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચી હતી. તે અંગેની તપાસ પણ થશે. આ પ્રકરણને લીધે વિધાનસભામાં પણ ગૃહમંત્રી રાજીનામુ આપે એવા સુત્રોચ્‍ચાર થયા હતાં.

આરોપી મયુર લાલજીભાઇ તડવીને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડ માંગવામાં આવ્‍યા હતાં. આઠ દિવસના રિમાન્‍ડ મંજુર થયા હોઇ વિશેષ તપાસ આગળ વધારવામાં આવી છે. વડોદરાના ડભોઇના મયુર તડવીછને રિમાન્‍ડ પુરા થયે ૧૦મીએ બપોરે બે વાગ્‍યે ફરી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ થયો છે. કરાઈ એકેડમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગની ચાલી રહી છે. જેમાં કુલ ૫૮૨ તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્‍યારે આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્‍યાન ઉપર આવેલ જેમાં મયુર લાલજીભાઈ તડવી નામનો વ્‍યક્‍તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી.  ત્‍યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્‍યક્‍તિ પર વોચ રાખી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો તો નથી ને? તે બાબતની ગુપ્‍તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ મેહુલ પાસેથી સાચા ઉમેદવારના હુકમની પીડીએફ મંગાવી ક્રમાંક-૩ના વિશાલ રાઠવાના નામ પર પોતાનું નામ એડિટ કરી પ્રિન્‍ટ કઢાવી હતી

૧૪ દિવસની રિમાન્‍ડ માંગણી સાથે પોલીસે રજૂ કર્યા હતાં ૧૫ કારણો

ગાંધીનગરઃ તપાસનીશ ટીમ તરફથી આરોપીની રિમાન્‍ડ શા માટે જરૂરી છે? તેના અલગ અલગ કારણો રજૂ કરાયા હતાં. જે આ મુજબ છે. (૧) આ કામે પકડાયેલ આરોપી પોતે પીએસઆઇ ભરતી બોર્ડ તરફથી યોજાયેલ પરીક્ષાના પ્રથમ તબક્કાની પ્રેક્‍ટીકલ પરીક્ષામાં નાપાસ થયા બાદ પરીક્ષા માટે ગેરલાયક ઠરેલ હોવા છતાં પાસ થયેલ ઉમેદવારોના નામની જાહેર યાદી પોતાના મોબાઈલમાં મેળવી યાદીના ક્રમાંક નંબર - ૩ ઉપર જણાવેલ નામમાં એડીટીંગ કરી પોતાનું નામ જાતે લખી ઉર્તીણ થયેલ હોય તેવા ફ્રોડ ડોકયુમેન્‍ટ આધારે પોલીસ તાલીમ શાળા કરાઈ અકાદમી ખાતે પ્રવેશ મેળવી તાલીમ લેતા દરમ્‍યાન તેઓનુ ગુનાહીત કળત્‍ય બહાર આવેલ છે . આમ આરોપીએ ગંભીર પ્રકારનો ગુન્‍હો આચરેલ છે. (૨) હાલના પકડાયેલ આરોપીએ સરકારી ઓનલાઈન રેકર્ડ સાથે છેડછાડ કરી પો.સ.ઈ ની નિમણુંક મેળવવા અને તાલીમ શાળામાં પ્રવેશ મેળવી પોતે ફોડ હોવાનુ જાણતા હોવા છતાં આ પ્રકારનું કળત્‍ય ખુબજ ગંભીર પ્રકારનુ હોય તેમાં અન્‍ય સહ આરોપીઓની સંડોવણી નકારી શકાય નહીં તે દિશામાં તપાસ કરવી ખુબજ જરૂરી છે. (૩) પોલીસ ડીપાર્ટમેન્‍ટમાં પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરનો હોદ્દો ખુબ અગત્‍યનુ સ્‍થાન ધરાવે છે . તેવી જગ્‍યાએ આરોપીએ જાતે ફોડ હુકમ બનાવી તાલીમ માટે પ્રવેશ મેળવી લીધેલ હોય આ કળત્‍યમાં રાષ્‍ટ્રદ્રોહ ધરાવતા કોઈ વ્‍યક્‍તિ કે સંગઠન પડદા પાછળ હોય તો તે અંગે તપાસ કરવી જરૂરી છે. ( ૪) આરોપી પોતાનો મનસુબો પાર પાડવામાં સફળ થયા હોય તો રાજ્‍ય કે રાષ્‍ટ્રીય લેવલની સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ સાબિત થવાની પુરે  પુરી શકયતાઓ હોય તે તેઓની માનસિકતા ઉપરથી સ્‍પષ્ટ ફલીત થાય છે. (૫) કરાઈ અકાદમીમાં ૫૮૨ જેટલા એ.એસ.આઇ અને પો.સ.ઈ સંવર્ગના ઉમેદવારો તાલીમ લઈ રહેલ છે. જે તાલીમ આપનાર અધિકારીશ્રીઓને અંધારામાં રાખી ઈન્‍ડોર તથા આઉટડોરમાં તાલીમ મેળવવાની શરૂઆત કરી અન્‍ય તાલીમાર્થીઓ સાથે મેસ વોશીંગ , બેરેકની સુવિધાઓ મેળવી તાલીમ મેળવવાની શરૂઆત કરી દીધેલ . જે કામે ફરીયાદી તથા ઉચ્‍ચ અધિકારીને સમયસર ધ્‍યાને આવી જતાં તેઓનુ ગુનાહીત કળત્‍ય છતું થયેલ છે. નહીંતર આરોપી પોતે સરકારી નાણા એટલે કે પગાર ભથ્‍થા પણ મેળવી લેવામાં સફળ થયા હોત તે સમગ્ર બાબતની પણ ઉડાણ પૂર્વક તપાસ કરવી જરૂરી છે. (૬) આરોપીએ પોતાના મિત્ર મેહુલ નામના ઈન્‍સ્‍ટાગ્રામ ફેન્‍ડ પાસેથી સાચા ઉમેદવારોના હુકમની પી.ડી.એફ મંગાવી પોતાના મોબાઈલમાં પાસ થયેલ ઉમેદવાર અનુક્રમ નંબર -૩ ના વિશાલસિંહ રાઠવાના નામ ઉપર પોતાનુ નામ એડીટીંગ કરી તેની વડોદરા ખાતે કોઈ ઝેરોક્ષની દુકાન ઉપરથી પ્રિન્‍ટ કઢાવેલાની વિગત તપાસમાં ખુલેલ છે. જે તેઓનો મોબાઈલ કબ્‍જે કરવામાં આવેલ છે . જે મોબાઈલમાં રહેલ ડેટા તથા ડીલેટ કરેલ ડેટા તથા સંપર્કોમાં કોઈ મદદગારી છે કે કેમ? તે અંગે તથા વડોદરા ખાતે તપાસ કરવા સારૂ આરોપીની પ્રત્‍યક્ષ હાજરીની જરૂર છે.

 આ ઉપરાંત  (૭) ભરતી બોર્ડના નિયમો અનુસાર ક્‍વોલીફાઈડ થવા માટે જરૂરી સર્ટીફીકેટ , એન.ઓ.સી વિગેરે ડોકયુમેન્‍ટ ભરતી થવા માટે ભરેલ ફોર્મ એટેચ રાખેલ પુરાવા સબંધે પણ સાથે રાખી પુરાવાકીય માહીતી એકત્રીત કરવા રીમાન્‍ડની જરૂર છે. (૮) આરોપીની પુછપરછ દરમ્‍યાન ચાલુ તાલીમે પોતે એક વખત શીક રજા તથા એક વખત રજા ઉપર ગયેલ અને રજા પુર્ણ થતા પરત હાજર થયેલાની વિગત જણાવેલ છે જે આવા ફોડ ડોકયુમેન્‍ટ બનાવી નિમણુક મેળવેલ હોવા છતાં કાયદાનો ડર રાખ્‍યા સિવાય ફરીથી નૌકરી જોઈન્‍ટ કરનાર આરોપીનો મલીન ઈરાદો પાર પાડવાના અને ચોક્ક્‌સ હેતુ તરફ સંકેત કરે છે. પુછપરછ દરમ્‍યાન સત્‍ય હકીકત જણાવતા નહોઈ તે અંગે વિશ્વાસમાં લઈ પુછપરછ કરવી જરૂરી છે. (૯) આરોપી પોતે ફ્રોડ ઓર્ડર સાથે તાલીમમાં પ્રવેશ મેળવી ટુંકા સમયમાંજ શીક રજા તથા રજા ઉપર ગયેલ તે દરમ્‍યાન પો.સ.ઈ તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કર્યો હોય કે કોઈ ગેરલાભ મેળવેલ હોય તો તે અંગે તપાસ કરવી જરૂરી છે. (૧૦) આરોપીને સાથે રાખી કરાઈ તાલીમ શાળામાં તેઓને ફાળવાવામાં આવેલ બેરેક નંબર -૫માં પંચો સાથે જડતી તપાસ કરતા તેની બેગ માંથી પીએસઆઇ પોલીસનો ગણવેશ , બેલ્‍ટ , કેન ( સ્‍ટીક ) શોલ્‍ડર -૨ જોડ કબ્‍જે કરેલ છે જે સરકારી ઈસ્‍યુ થયેલ નથી.પરંતુ આરોપીએ એડવાન્‍સ પો.સ.ઈનો યુનીફોર્મ તૈયાર કરી પોતાના કબ્‍જામાં રાખેલ છે જેનો પણ દુરપયોગ કરેલાની પુરેપુરી શકયતા રહેલી હોઈ તે અંગે સઘન પુછપરછ કરવી જરૂરી છે. (૧૧) આ કામે આરોપી કોઇ ચોક્કસ સંગઠન કે સંસ્‍થા સાથે સંપર્કમાં કે પ્રભાવમાં આવેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ કરવા સારૂ આરોપીની પ્રત્‍યક્ષ હાજરીની જરૂરીયાત છે. (૧૨) આરોપીએ સમગ્ર ગુનો સોશીયલ મીડીયા મારફતે આચરેલ છે. આરોપીના મોબાઈલ નંબર તથા ઈન્‍સ્‍ટાગ્રામ આઈ.ડી- psi_talvi_mayur ની માહીતી મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે. જે આવ્‍યેથી આરોપીને સાથે રાખી તપાસ કરવી અનિવાર્ય છે. જેથી કરીને ગુનાના મુળ સુધી પહોંચી શકાય તેમ છે. જેથી આરોપીની પોલીસ કસ્‍ટડીમાં હાજરીની જરૂરીયાત છે. (૧૩) આરોપી કોઇ રાજકીય સત્તાનો દુરપયોગ કરી અથવા કોઇ રાજકીય પીઠબળ દ્વારા ફ્રોડ હુકમ બનાવી પી.એસ.આઇ.ની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે હાજર થયેલ છે કે કેમ? જે અંગે તપાસ કરવા સારૂ આરોપીની પોલીસ કસ્‍ટડીમાં હાજરીની જરૂરીયાત છે. (૧૪) આ કામના આરોપી કોઇ નાણાકીય ગેરરીતી આચરીને ફ્રોડ હુકમ બનાવી પી.એસ.આઇ.ની તાલીમ સારૂ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે હાજર થયેલ છે કે કેમ ? જે અંગે તપાસ કરવા સારૂ આરોપીની પોલીસ કસ્‍ટડીમાં હાજરીની જરૂરીયાત છે. (૧૫) આ કામે જરૂર જણાયેથી આરોપીની વૈજ્ઞાનિક પધ્‍ધતિથી પુછપરછ કરવા સારૂ તેના જરૂરી ટેસ્‍ટ કરવા માટે પણ આરોપીની પ્રત્‍યક્ષ હાજરીની જરૂરીયાત છે.

(4:12 pm IST)