Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

મોંઘવારીને લઈને ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે લેવાયા મહત્‍વના નિર્ણયો

કર્મચારીઓ માટે વર્દીની સિલાઈ, શૂઝ તથા યુનિફોર્મને લઈને મહત્‍વની જાહેરાત

અમદાવાદ, તા.૨: ગુજરાત પોલીસ હવે અપગ્રેડ થવા જઈ રહ્યું છે. ત્‍યારે પોલીસ કર્મચારીઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવાયા છે. વધતી જતી મોંઘવારીને ધ્‍યાનમાં રાખતા ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે મહત્‍વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો છે. તો સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ માટે સગર્ભાવસ્‍થામાં ડ્‍યુટી દરમિયાન છૂટછાટની જાહેરાત કરાઈ છે.

રાજ્‍ય પોલીસમાં લોકરક્ષક સહિતના પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે સિલાઈ આપવાના દરમાં વધારો કરાયો છે. રાજ્‍ય પોલીસની ગણવેશ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે અગાઉ રૂપિયા ૬૦૦ ચૂકવવામા આવતા હતા. હવે તેની જગ્‍યાએ ૧,૦૦૦ રૂપિયા સિલાઈ તરીકે અપાશે. વર્દીની સિલાઈ માટે રૂપિયા ૪૦૦ નો આ વધારો વર્તમાન મોંઘવારીને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યો છે. આ વધારાનો અમલ ૨૦૨૩- ૨૪ થી કરવામાં આવશે.

તો બીજી તરફ, મહિલા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ ગણવેશ કમિટીએ છુટછાટ આપી છે. મહિલા પોલીસ કર્મચારીઓને સગર્ભા અવસ્‍થા દરમિયાન ખાખી સલવાર કમીઝ અને સોલ્‍ડર બેઝ ઉપરની રેન્‍ક યુનિફોર્મ પહેરી શકાશે તેવી છૂટ અપાઈ.

તો સાથે જ, પોલીસને અપાતા એન્‍કલ શુઝ અને જંગલ શૂઝની જોગવાઈમાં પણ ફેરફાર કરાયો છે. પ્રથમ નિમણૂંક સમયે બે જોડી અને દર બે વર્ષે એક જોડી અપાશે. અગાઉ દર વર્ષે એક જોડી આપવામાં આવતા હતા, તેમાં ઘટાડો કરાયો છે. પોલીસને ઠંડીમાં રક્ષણ માટે દર પાંચ વર્ષે એક વુલન જર્સી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

(4:13 pm IST)