Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

જીસ્‍વાન ઠપ્‍પઃ રાજકોટ સહિત રાજયભરમાં દસ્‍તાવેજો અટકયા

હજારો લોકોમાં મચી ગયેલો દેકારોઃ કલાકો સુધી હેરાનગતિઃ એકલા રાજકોટ શહેર-જીલ્લામાં ૯૦૦ દસ્‍તાવેજ અટકી પડયા : હજારો લોકોમાં દેકારોઃ પૂરવઠાની રાશનકાર્ડ કામગીરી-ઇ-ધરા-જનસેવાની તમામ કામગીરી પણ ખોરવાઇ

રાજકોટ તા. ર : ગુજરાત સરકારની એનઆઇસીનું જી.સ્‍વાનનું સર્વર ઠપ્‍પ બની જતા રાજકોટ સહિત રાજયભરમાં આવેલી સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં હજારો દસ્‍તાવેજોની કામગીરી આજે અટકી પડી હતી, સાધનો એવુ ઉમેરી રહ્યા છે કે ૧પ દિ'થી ધાંધીયા ચાલે છે, ર દિ' પહેલા સર્વર સાવધીમુ ચાલતુ હતું પરંતુ આજે તો સર્વર સાવ ઠપ્‍પ બની જતા રાજયભરની તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં સવારે ૧૦-૩૦ થી બપોરે ર સુધીમાં એક પણ દસ્‍તાવેજ થયો નથી, એટલુ જ નહી ૧પ એપ્રિકલ સુધી નવી જંત્રી મોકુફ રહી હોય દસ્‍તાવેજો કરાવવા જમીન-મકાન-ફલેટ ધારકો ખરીદનાર-વેચનાર, બીલ્‍ડરોમાં પડાપડી થઇ રહી છે, દરરોજ તમામ સ્‍લોટ હાઉસફુલ હોય છે, સરકારે તાજેતરમાં દસ્‍તાવેજ કામગીરીનો સમય પણ વધાર્યો છે, ત્‍યાં આજે સર્વર ઠપ્‍પ થતા અને એક પણ દસ્‍તાવેજ નહી થઇ શકતા હજારો લોકોમાં દેકારો મચી ગયો છે, લોકો વકીલો કલાકો સુધી હેરાન-પરેશાન થયા છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ૮ ઝોન અને જીલ્લામાં ૧૦ થઇને કુલ ૧૮ ઝોનમાં તમામ સ્‍લોટ આજે હાઉસફુલ હતા, એક સ્‍લોટમાં ૪પ થી પ૦ દસ્‍તાવેજો નોંધાય છે, તે જોતા આજે એકલા રાજકોટમાં જ ૧દિ'માં શહેર-જીલ્લો થઇને ૯૦૦ જેટલા દસ્‍તાવેજો અટકી પડયા હતા. (આ ઉપરાંત રાજકોટ પુરવઠાની ચારેય ઝોન કચેરીઓ ઇ-ધરા, જનસેવા કેન્‍દ્રોમાં પણ રાશનકાર્ડ, ૭/૧ર-૮/અ ના ઉતારા, આવકના દાખલા, અન્‍ય પ્રકારના દાખલા સહિતની કામગીરી ઠપ્‍પ જોવા મળી હતી, નવી કલેકટર કચેરીમાં પણ જનસેવા કેન્‍દ્રમાં સંખ્‍યાબંધ લોકોને સર્વર ઠપ્‍પને કારણે વીલામોઢે પરત ફરવુ પડયું હતું કોઇ જવાબદાર અધિકારી પણ હાજર ન હતા.

 

(3:34 pm IST)