Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિશેષ દરકાર લેતી રાજ્ય સરકાર

ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળેલી તમામ ૩૨૦ અરજીઓને મંજૂર કરી રૂ. ૫,૩૯,૫૦૦ જેટલી રકમની ચૂકવણી કરાઈ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા

રાજકોટ તા.૨

રાજ્યના દિવ્યાંગ બાળકો શિક્ષિત થાય અને અન્યો સાથે ખભેથી ખભો મિલાવી શકે તે માટે રાજ્ય સરકારે વિશેષ દરકાર લીધી છે અને દિવ્યંગોના શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજનાની અમલવારી અંગે વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧-૧-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધીના સમયગાળામાં કુલ ૩૨૦ અરજીઓ મળી હતી. જે પૈકીની તમામ અરજીઓને મંજૂર કરી કુલ રૂ. ૫,૩૯,૫૦૦ જેટલી રકમની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.

 

આ યોજનામાં મળતી સહાય અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રી શ્રીમતી બાબરીયા જણાવ્યું હતું કે, ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકોને અભ્યાસ માટે રૂ. ૧૫૦૦ તેમજ ધોરણ ૯ થી ૧૨ અને આઇટીઆઇ સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૦૦૦ શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને હોસ્ટેલ માટે રૂ. ૨૫૦૦ ચૂકવવામાં આવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બીએ, બીએસસી જેવી સ્નાતક  કક્ષાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂ. ૩૦૦૦ અને હોસ્ટેલ માટે રૂ. ૩૭૫૦ આપવામાં આવે છે. બીઇ, બીટેક અને એમબીબીએસ સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂ. ૩૫૦૦ અને હોસ્ટેલ માટે રૂ. ૪૫૦૦ આપવામાં આવે છે. સાથે જ અનુસ્નાતક સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૩૫૦૦ અને હોસ્ટેલ માટે તેઓને રૂ. ૪૫૦૦ ચૂકવવામાં આવે છે.

સભ્યશ્રી દ્વારા અરજી મંજૂર કરવાની સત્તા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેને મંજૂર કરવાની સત્તા સંબંધિત જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને આપવામાં આવેલી છે. તેમને મળેલી અરજીઓમાં જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી કરીને અરજી મંજૂર કર્યા બાદ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર- ડીબીટીના માધ્યમથી સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

(2:57 pm IST)