Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

ગુજરાતી સાહિત્યના અમર કવિ દુલા ભાયા કાગ

 સૌરાષ્‍ટ્રના લોકસાહિત્‍યના કબીરવડ સમા દુલાભાઈ કાગનું આખું જીવન એક સંત કવિ અને સાધકનું જીવન હતું. સંત અને કવિ સમાનગુણી હોય છે. સંત આઠે પહોર સંત છે, જ્‍યારે કવિ કાવ્‍યની રચના કરતી વખતે સંત હોય છે. કવિ કાવ્‍યો તો અનેક લખે છે, પરંતુ તેમાંનાં ચિરંજીવ એ જ બને છે, જે સંતભાવમાં પ્રવેશીને લખાયેલાં હોય. જ્‍યારે દુલાભાઈમાં તો આ બંને હતાં. એ તપઃ પૂત સંત પણ હતા, અને સહેજ સ્‍ફૂર્તિવાળા કવિ પણ હતા.

અભણ માતા-પિતાને ત્‍યાં જન્‍મ, જ્‍યાં કોઈ જ ભણેલું નહિ એવા ગામમાં નિવાસ, અને થોડું ભાંગ્‍યું તૂટયું ભણતર છતાં દુલાભાઈ ‘પદ્મશ્રી' જેવી ભારતકક્ષાની શ્રેષ્ઠ વ્‍યક્‍તિ બન્‍યા. કશી તાલીમ વિના હજારો લાખો લોકોને પોતાની કાવ્‍યશકિત, કેણી અને સાગર શા ધીરગંભીર ગળાથી મુગ્‍ધ કરી શકયા, હજારો લોકો પર પોતાના વ્‍યક્‍તિત્‍વની છાપ ઉપસાવી અને એથીય વધુ લોકોને જીવનના સુપંથે વાળી શકયા. સ્‍વ. મેધાણીજીએ કવિ કાગના જીવનપંથની ખરી પ્રશંસા કરી છે.

દુલાભાઈના પિતા પોતાની બહેન વિધવા થતાં તેની ખેડ સંભાળવા થોડો વખત સોડવદરી જઈ ને રહેલા, તે દરમિયાન વિક્રમ સંવત ૧૯૫૯ના કારતક વદ - ૧૧, ૨૫ નવેમ્‍બર ૧૯૦૩ના રોજ દુલાભાઈનો જન્‍મ સોડવદરી ગામે થયેલો.

બીજમાં હોય તો જ વળક્ષમાં આવે ૧૩મી સદીમાં થઈ ગયેલ બીજલ કવિ દુલાભાઈના ૩૯મી પેઢીએ પૂર્વજ થાય. કવિ બીજલને ત્રણ દીકરા કાગ સુર એમાંના નાના, કાગ સુરના વંશમાં શામળા કાગ થયા. કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા, એના દીકરા ભાયા કાગ દુલાભાઈના પિતા, સૌરાષ્‍ટ્રના દક્ષિણ સાગરકાંઠે આવેલા પોર્ટ આલ્‍બર્ટ વિકટર નજીકના પીપા પાપ ન'કીજીએ ' નો ઉપદેશ આપનાર પીપા ભગતે સ્‍થાપેલ પીપાવાવના પ્રસિદ્ધ મંદિરથી દોઢેક માઈલના અંતરે આવેલું સત્તર ખોરડાની વસતીવાળું ‘મજાદર'એ એમનું વતન.

વ્‍યક્‍તિના ઘડતર અને ચણતરમાં માતા - પિતાના સંસ્‍કારો, બાળપણના ભેરુબંધા, આસપાસનું વાતાવરણ, એમાંની નંદીઓ, ડુંગરા, મંદિરે આ બધાંને ફાળો હોય છે.બાળપણની એમની તીવ્ર જિજ્ઞાસાવળત્તિને પોષણ મળેલું વાર્તાઓમાંથી ભાયા કાગ પણ વાર્તા સારી કરી જાણતા. અવારનવાર આંવતા મહેમાન ચારણો, બારોટોની વાર્તાઓ પણ કિશોર દુલાભાઈ રસથી સાંભળતા.  તેઓ પાંચ ચોપડી વિકટરની નિશાળે ભણેલ.

તેર વરસની ઉંમરે તેઓ ગાયો ચારતા. તેમના પિતાશ્રીને ત્‍યાં સાંઠેક ગાયો હતી, ત્રીશેક ભેસો પણ હતી. મજાદરમાં ચરાણની અછત હતી. જેથી પીપાવાવ, ઝોલાપરએ ગામની સીમમાં પણ ગાયો ચરવા જતી. આખો દિવસ મારે વગડામાં જ વસવાનું હતું. રામાયણનું પુસ્‍તક સાથે લઈ જતા અને આખો દિવસ વાંચતા. એમના પિતાશ્રી એ વખતના એક અડીખમ માણસ ગણાતા. એ વટદાર માણસ હતા. એ વખતમાં ઢોરની ચોરીઓ ઘણી જ થતી. કોઈ ગરીબનું ઢોર ચરાઈ જાય, એટલે તુરંત જ તે  મજાદર આવે.  એ વખતે વાવણી ચાલતી હોય કે લાણી ચાલતી હોય, અથવા ઘરમાં કોઈ બિમાર હોય, તે બધું છોડીને મારા પિતા તુરંત જ ઘોડા પર ચડતા, અને એ ગરીબના ઢોરનો પત્તો ન લાગે ત્‍યાં સુધી એ પાછા ઘેર આવતાં જ નહિ. આ અરસામાં હીપા મોભ સાથે કવિની મિત્રતા થઇ.

દુલાભાઇ કવિતા બનાવતાં તો શીખી ગયા હતા એટલે મનમાં એક નવો શોખ જાગ્‍યો હતો, કે કઈ દરબારની કવિતા કરવી અને ઈનામ - અકરામ લેવું. ફરવા જવું, સારા સારા દરબારને ત્‍યાં જવું પણ એ કાંટો ફૂટયો, ત્‍યાં જ બાળમિત્ર હીપા મોભે એને મૂળમાંથી જ ખોદી નાખ્‍યો અને બોલાવીને એણે કહ્યું ‘‘તારે કોઇ દિવસ કયાંય પણ પૈસાની માંગણી કરવી નહિ. આપણું ઘર એક જ કહેવાય, માટે જ્‍યારે પૈસાની જરૂર પડે ત્‍યારે સાંગણિયે ચાલ્‍યા આવવું. ભાયા કાગનો દીકરો ડેલીએ ડેલીએ ભટકે, એ વાત સારી ન કહેવાય.'' એટલે કવિ સાંગણિયે મહિનાના મહિના રહેતા રામાયણ મહાભારત વાંચતા અને મુસાફરીએ જવું હોય ત્‍યારે પૈસા ત્‍યાંથી લઈ જતા. કવિ કહતા કે મારી અયાચકતાનું મૂળ કારણ હીપો મોભ છે. હીપા મોભને નવ વરસ સાથે રહેવાનું બન્‍યું.

દુલાભાઈ કહેતા કે ‘‘ભક્‍તિમાં મન તો સમજણો થયો ત્‍યારથી લાગી ગયેલું.'' એક સમયે દિકરાની મરજીને માન આપી બાપ - દીકરો મુક્‍તાનંદજી પાસે પહોંચ્‍યાને આપા ભાયાએ દુલાભાઈનેએ સંતના હાથમાં સોંપ્‍યા. દુલાભાઈનું અટકેલું ભણતર પુનઃ શરૂ થયું. એમણે વિચારસાગર, ગીતા મોંઢે કરવા માંડયા. મુક્‍તાનંદજીએ કિશોર દુલાભાઈની દસ આંગળીઓમાં પોતાની દસ આંગળીઓ ભેરવી - આંખે આંખ મિલાવી ગોઠણ - ગોઠણ અડકવા અને પછી કહ્યું, ‘ જા, સવૈયા લખી લાવ.'

સત્તર વર્ષની વયે ફૂટેલું આ ઝરણું - આ સરવાણી પછી તો વિશાળ મહાનદ બની રહી. ચારણ વીરરસના ગાયકો છે. ે દુલાભાઈ અને મેઘાણીજીનું મિલન ભાવનગરમાં શ્રી લક્ષ્મીનાથ વ્‍યાસને ત્‍યાં થયું. થોડા જ વખતમાં એ મિલન અંતરે ગાંઠયું જેવું બની રહ્યું. શ્રી મેઘાણી લખે છે કે ‘‘મારી નજરમાંથી દુલાભાઈ ચારણ, દુલાભાઈ કવિ, દુલાભાઈ ભગત, દુલાભાંઈ પૂજનીય પણ મટી ગયા છે. દુલાભાઈ ભાઈ બન્‍યા છે. ''કાગવાણી ગીતો નથી પણ ગીતોમાં ગૂંથેલી નવી આખ્‍યાયિકાઓ છે. ભાંરતવર્ષના રાષ્‍ટ્રભાવોને, માતળભૂમિની મનોવેદનાને, દુલાભાઈ એ નાનાં કાવ્‍યાખ્‍યાનમાં ઉતારેલ છે. ભૂદાન પ્રવળત્તિએ વિનોબાજી અને ભૂદાનનાં ગીતનો ફાલ ઊતાર્યો તો પૂ. રવિશંકર મહારાજ તો આરાધનાની મૂર્તિ બની ગયા.

૧૯૬૮ પછી એમનું સ્‍વાસ્‍થ્‍ય કથળ્‍યું. જો કે એમની માનસિક સ્‍વસ્‍થતા તો છેક છેલ્લે સુધી અણીશુદ્ધ ટકી રહેલી. બેઠા હોય તો કોઈને લાગે નહિ કે બાપુ બિમાર હશે. આ જાજરમાન જીવનને સંવત ૨૦૩૩ના ફાગણ સુદ ૪ તા. ૨૨ ફેબ્રુઆરીના ૧૯૭૭ના રોજ અંત આવ્‍યો. કવિઓ એમનાં કાવ્‍યો દ્વારા સદાય જીવંત હોય છે.(૨૪.૬)

 : આલેખન :

રાધિકા જોષી

(12:11 pm IST)