Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

સાયલા હાઈવે પર થયેલી કરોડોની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો :ઘરના વરંડામાં દાટેલી ચાંદી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

992 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી લઇને અમદાવાદ તરફ જતી બોલેરો ગાડીને આંતરી ડ્રાઇવર અને ક્લીનરનું અપહરણ કરી માર મારી ચાંદીની લૂટ ચલાવી હતી :અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યોની ધરપકડ કરી

સાયલા હાઈવે પર થયેલી કરોડોની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો છે. 992 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી લઇને અમદાવાદ તરફ જતી બોલેરો ગાડીને આંતરી ડ્રાઇવર અને ક્લીનરનું અપહરણ કરી માર મારી ચાંદીની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યોની ધરપકડ કરી છે. જેમાં લૂંટનો મુખ્ય આરોપી આલીશાન બંગલામાં રહે છે. ધૂમ મૂવી સમયે ગેંગના સભ્યોને સ્ટંટ કરવા માટે આવી હતી ઑફર. જેમાં લૂંટ કરે છે તે સમયે દરેક સભ્યો તેના મોબાઈલ ઘરે જ રાખીને જાય છે તેમજ એકબીજાને ઓરીજનલ નામથી બોલાવવામાં પણ આવતા નથી

રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી. ચાંદી ચોરીની લૂંટને અંજામ આપવાની ઘટના કોઈ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હતી. લૂંટના ઘટના સામે આવતા રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. જેમાં 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશ થી ત્રણ લોકોની ધરપકડ કરી છે. જોકે હજી પણ 12 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે. લૂંટના ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ દ્વારા “ઓપરેશન ડીપ સર્ચ” શરૂ કરી અલગ અલગ ટીમોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા.

જ્યાંથી તપાસમાં સામે આવ્યું કે લૂટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરી ગયા હતા તે ટ્રકના માલિક દમણ હતા જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેને ટ્રક મધ્યપ્રદેશનાં દેવાસમાં જીતેન્દ્ર ઝાંઝાને વેચી નાખ્યો હતો. જેના આધારે પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની ધરપકડ કરી હતી. જે બાદ જીતેન્દ્રનાં સાગરીતો ચાંદી લૂંટને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.

 

પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની પૂછપરછમાં સામે આવ્યું કે ચાંદી લૂંટનો મુદ્દામાલ દેવાસના ચૌબારાધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર ચૌહાણના મકાનની પાછળના ભાગમાં વરંડામાં દાટવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા 75 કિલો એટલે કે 50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે જીતેન્દ્ર ચૌહાણ તેના પત્ની બબીતા ચૌહાણની ધરપકડ કરી છે. જોકે પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે સાયલા ચાંદી લૂંટમાં ટ્રક માલિક જીતેન્દ્ર ઝાંઝાએ તેના સાળા અને અન્ય લોકો મારફત દાગીના છુપાવવા 10 ટકા ભાગ આપવાનું નક્કી કર્યું હતું.

 

જેથી જીતેન્દ્ર અને તેની પત્નીએ પોતાના ઘરના પાછળના વરંડામાં ચાંદી દાટી હતી. જોકે જીતેન્દ્ર ઝાંઝાએ કુંદન ઉર્ફે ગોલુ વિશ્વકર્મા થકી દંપતીનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે દંપતી સાથે કુંદનની પણ ધરપકડ કરી છે.જેમાં ચાંદી લૂંટને અંજામ આપવા લૂંટારાઓ ત્રણ અલગ અલગ કારમાં આવ્યા હતા. જેમાંથી એક ઝાઇલો કાર પણ ચોરી કરેલી હતી જેમાં જીપીએસ લાગેલું હતું જે ઉજૈન નાગડા રોડ પર બંધ કરી દેવામાં આવ્યું હતું. ટ્રક માલિક જીતેન્દ્રએ લૂટ બાદ અન્ય આરોપીને ચિડાવદ ખાતે બોલાવ્યા હતા અને લૂંટમાં વપરાયેલી ઝાયલો ગાડી દસેક દિવસ લઈ જવા જણાવ્યું હતું જેના બદલામાં ઉધાર નાણાં માફ કરી દેશે અને ગાડી પણ મફતમાં આપી દેવાની લાલચ આપી હતી.

જેથી અન્ય સાગરીતોએ ટ્રક ડુંગરિયા ગામે શેખર રાવતના ખેતરમાં છુપાવો દેવામાં આવ્યો હતો. જોકે હાલ પણ મુખ્ય આરોપીઓ અને મુદ્દામાલ શોધવા ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો મધ્યપ્રદેશમાં કામગીરી કરી રહી છે.

 

જેમાં પકડાયેલી રામમૂર્તી ગેંગનાં સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અલગ અલગ હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કરોડોની લૂંટને પણ અંજામ આપી ચૂક્યા છે. આ ગેંગના સભ્યો બાઈક સ્ટંટમાં નિપુણ હોવાથી ઘુમ ફિલ્મ સમયે તેમને સ્ટંટ માટે પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મના પૈસાની બાબતે રકજક થયા ગેગના સભ્યોએ સ્ટંટ માટે મનાઈ કરી દીધી હતી. જોકે તેજ સમયે આ ગેંગ દ્વારા 11 કરોડની લૂંટને પણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ ગેંગ જ્યાં પણ લૂંટ કરે છે તે સમયે દરેક સભ્યો તેના મોબાઈલ ઘરે જ રાખીને જાય છે તેમજ એકબીજાને ઑરોજનલ નામથી બોલાવવામાં પણ આવતા નથી. હાલતો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને વધુ 12 ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.

(10:14 pm IST)