Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

રાહુલજીનું નેતૃત્‍વ નિષ્‍ફળ, કોંગ્રેસને નાતી-જાતિ અને ધર્મના નામે લડાવવામાં રસઃ ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્‍ય ડો. આશાબેન પટેલનું રાજીનામુ

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષને પત્ર પાઠવી પાર્ટીમાં જુથવાદ, આંતરીક વિગ્રહ ચરમસીમાએ હોવાનું કહ્યું

વિધાનસભાના અધ્‍યક્ષ રાજેન્‍દ્રભાઈ ત્રિવેદીએ રાજીનામુ સ્‍વીકાર્યુ તે તસ્‍વીરમાં નજરે પડે છે

પાટણ, તા. ૨ :. ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્‍ય ડો. આશાબેન ડી. પટેલે કોંગ્રેસના ધારાસભ્‍ય, સભ્‍ય તેમજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. તેઓએ રાજીનામાનો પત્ર કોંગ્રેસના અધ્‍યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધો છે.

કોંગ્રેસના ધારાસભ્‍ય ડો. આશાબેન ડી. પટેલે રાજીનામા પત્રમાં જણાવ્‍યુ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસમાં કાર્ય કરૂ છું. છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ તેમજ રાષ્‍ટ્રીય લેવલે રજુઆત કરવા છતા પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્‍ચે તાલમેલ સાધવા માટેના કોઈ પ્રયત્‍નો કરવામાં આવતા નથી. રાહુલજીનું નેતૃત્‍વ પણ નિષ્‍ફળ નિવડયુ છે. પાર્ટીમાં જુથવાદ, આંતરીક વિગ્રહ ચરમસીમાએ છે. પાર્ટીનુ નેતૃત્‍વ પણ નિષ્‍ફળ રહ્યુ છે અને પ્રજાનો પ્રશ્નો પણ હલ થઈ શકતા નથી. અમોને પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી.

ડો. આશાબેન ડી. પટેલે વધુમાં જણાવ્‍યુ કે વડાપ્રધાનશ્રીએ ૧૦ ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગોને ન્‍યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્‍યારે કોંગ્રેસ સંગઠન નાતી-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ રાખે છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં રહીને લોક પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવાની મુશ્‍કેલી પડી રહી છે જેથી હું રાજીનામુ આપુ છું.

વિધાનસભાના અધ્‍યક્ષ રાજેન્‍દ્રભાઈ ત્રિવેદીએ રાજીનામુ સ્‍વીકાર્યુ  હતું.

 

 

 

(1:12 pm IST)