Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

વૈશ્વિક મંદી છતાં ૨૦૨૩ના નાણાંકીય વર્ષમાં ગુજરાતી કંપનીઓ ચમકી

એઆઇએ એન્‍જીનિયરીંગ, ઝાયડસ લાઇફ સાયન્‍સીસ, ટોરેન્‍ટ ફાર્માએ આપ્‍યા જોરદાર રીટર્ન

અમદાવાદ તા. ૧ : ૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષમાં ગુજરાતની અગ્રેસર કંપનીઓએ વૈશ્વિક બજારમાં જોરદાર પર્ફોમન્‍સ દાખવીને માર્કેટ કેપીટલાઇઝેશનમાં ૭૮ ટકા જેટલો વધારો મેળવ્‍યો છે. એઆઇએ એન્‍જીનિયરીંગ (૭૮ ટકા), ઝાયડસ લાઇફ સાયન્‍સીસ (૪૧ ટકા), ટોરેન્‍ટ ફાર્મા (૧૦.૭૬ ટકા), ગુજરાત ફલોરો કેમ (૧૦.૨૯ ટકા) અને ટોરેન્‍ટ પાવર (૩.૭૭ ટકા) જેવી કંપનીઓએ આ સમયગાળામાં પોઝીટીવ રીર્ટન્‍સ નોંધાવ્‍યા છે.

જો કે રાજ્‍યના જાહેર એકમો સહિતની કેટલીક કંપનીઓએ ૬૭ ટકા જેટલા ગુમાવ્‍યા પણ છે. વિશ્‍લેષકો કહે છે કે, ગુજરાતની કંપનીઓએ પોતપોતાના ક્ષેત્રમાં મજબૂત ઉપસ્‍થિતી દર્શાવી છે જેનાથી તેમને આ કઠીન આર્થિક પરિદ્રષ્‍યમાં સારો દેખાવ કરવામાં મદદ મળી છે.

સેબીમાં રજીસ્‍ટર્ડ એક રીસર્ચ એનાલીસ્‍ટ હિતેશ સોમાણીએ કહ્યું, છેલ્લા નાણાકીય વર્ષમાં આપણને સૂચકાંકોમાં બહુ મોટા ફેરફારો નથી જોવા મળ્‍યા પણ ગુજરાત બેઝડ કંપનીઓના શેરના ભાવોમાં બહુ મોટી અસ્‍થિરતા આપણને જોવા મળી છે.

તેમણે વધુમાં કહ્યું ‘આ વર્ષે શેરબજારને રશીયા - યુક્રેન યુધ્‍ધ, વધારે મોંઘવારી, વધતા વ્‍યાજદરો અને ઘણાં સેકટરોમાં નબળી માંગ જેવા પરિબળોએ અસર કરી છે. ગુજરાતની મોટી કંપનીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે તો ઘણી કંપનીઓએ નેગેટીવ રીટર્ન પણ આપ્‍યા છે. જેમાં સદ્‌ભાવ એન્‍જીનિયરીંગ (-૬૭ ટકા) અને જીએનએફસી (-૪૦ ટકા) સામેલ છે. આ નાણાંકીય વર્ષમાં સેન્‍સેકસમાં મામૂલી (૦.૭૨ ટકા)નો વધારો જ્‍યારે નીફટીમાં (૦.૬૦ ટકા)નો ઘટાડો જોવા મળ્‍યો છે. એઆઇએ એન્‍જીનિયરીંગ ગત નાણાકીય વર્ષમાં ૭૮ ટકા જ્‍યારે ઝાયડસ લાઇફ સાયન્‍સીસમાં ૪૦ ટકા વધારો જોવા મળ્‍યો છે.'

(4:26 pm IST)