Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

તમિલનાડુમાં ૨૫ લાખથી વધુ સૌરાષ્‍ટ્રવાસીઓનો વસવાટ : ૧૭મીથી સૌરાષ્‍ટ્ર - તમિલ સંગમ

અવસર અનેરો : રાજ્‍ય સરકાર દ્વારા કેન્‍દ્ર સરકારના સહયોગથી યોજાનાર સૌરાષ્‍ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની માહિતી આપવા હોટલ ઇમ્‍પીરીયલ પેલેસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સરકારના પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે મહિલા બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી, ધારાસભ્‍યો ડો. દર્શિતા શાહ, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ભાજપના વિભાગીય પ્રવકતા રાજુ ધ્રુવ, પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોષીપૂરા, પૂર્વ કુલનાયક કલ્‍પક ત્રિવેદી વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૧ : રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૭ એપ્રિલથી સોમનાથ ખાતે પ્રથમ વખત સૌરાષ્‍ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે. આર્થિક - સાંસ્‍કૃતિક ક્ષેત્રે બન્‍ને વિસ્‍તારોના સબંધો વધુ સુદૃઢ બનશે. રાજ્‍ય સરકારના પ્રવકતા અને રાજ્‍યના પ્રવાસન તથા ઉચ્‍ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલેએ આજે અહીં પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. પત્રકાર પરિષદના પ્રારંભ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ પ્રસ્‍તાવના રજુ કરેલ. પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાએ પૂરક માહિતી આપી હતી.

શ્રી ઋષિકેશ પટેલએ જણાવેલ કે, વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરતમાની એક એટલે આપણા સૌરાષ્‍ટ્રવાસીઓનું તામિલનાડુમાં હિજરત થવું. ભારત વર્ષના તમિલનાડુ રાજ્‍યમાં ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્‍ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્‍ટ્રવાસી તરીકેની ઓળખ તેમજ પોતાના સૌરાષ્‍ટ્ર વિસ્‍તારની પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસી કરી રહ્યા છે. ૧૦૨૪ની સાલમાં મોહમ્‍મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઇ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્‍તારમાંથી સામુહિક સ્‍વરૂપે વસતા સૌરાષ્‍ટ્રવાસીઓ દરિયાઇ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્‍યારબાદ વિજયનગર સામ્રાજ્‍યમાં આશરો લઇ રહ્યા હતા. વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્‍ય હસ્‍તકલાઓમાં કૌશલ્‍ય ધરાવતા આ સમુદાયને મદુરાઇના રાજવંશ મહારાજાએ રાજ્‍યાશ્રય આપ્‍યો હતો. ૧૫૦૦ની સાલથી આ સમુદાય મદુરાઇ તેમજ આજુબાજુના વિસ્‍તારની અંદર સ્‍થાયી થયો છે.

કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ જણાવ્‍યું હતું કે, તમિલનાડુમાં વસેલા આપણા ભાઇઓ-બહેનોમાં પોતાના વતન પરત ફરવાનો, પોતાના મૂળ સાથે જોડાવાનો અને પોતાની મૂળ સંસ્‍કૃતિને ઓળખવાનો અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

જ્‍યારે ગુજરાત સરકારના આઠ મંત્રીઓ તમિલનાડુના આઠ વિવિધ સ્‍થાનો પર આમંત્રણ આપવા ગયા હતા ત્‍યારે ત્‍યાં સૌરાષ્‍ટ્ર તમિલ સમુદાયમાં ગુજરાત આવવાનો, પોતાના મુળ સાથે જોડાવા માટેનો અભૂતપૂર્વ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. માત્ર મંત્રી તરીકે નહીં પણ એક ગુજરાતી તરીકે પણ ખૂબ આદર સત્‍કાર અને આવકારનો ભાવ મળ્‍યો હતો ત્‍યારે તમિલનાડુથી આવતા આ ભાઇઓ-બહેનોને આદરભાવથી આવકારી, સૌરાષ્‍ટ્રની મહેમાનગતિ - પરોણાગતિનો અનુભવ કરાવવાનો છે. હાલ સુધીમાં ૨૫,૦૦૦થી વધુ સૌરાષ્‍ટ્રીયન તમિલ ભાઇઓ-બહેનોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૭ એપ્રિલથી વિવિધ કાર્યક્રમ યોજવાના છે. જેમાં આપણી સંસ્‍કૃતિ, આપણું ભોજનથી આપણે તેમને ફરી જોડીશું, સાથે જ વિવિધ રમતો જે આપણા સૌરાષ્‍ટ્ર અને ત્‍યાં પણ રમાય છે તેવી વિવિધ રમતો સાથે પણ જોડવાના છીએ. આ સાથે જ રાજકોટ ખાતે બિઝનેસ, ટેક્‍સટાઇલ જેવા વિવિધ સેમીનારો પણ યોજવામાં આવશે.

૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ૧૫ દિવસના આ પ્રવાસમાં યજમાન ગુજરાત, વેબસાઇટ પર રજીસ્‍ટ્રેશનમાં સિલેકટ થયેલા મહેમાનોને સ્‍પેશ્‍યલ ટ્રેન વડે અહીં લાવશે, ત્‍યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી (એકતાનગર), જેવા સ્‍થળોની મુલાકાત પર લઇ જશે. કાર્યક્રમનું મુખ્‍ય સ્‍થળ સોમનાથ રહેશે જ્‍યાં ૧૫ દિવસ દરમિયાન કલા, સંસ્‍કૃતિ, ઉદ્યોગ - વાણિજ્‍ય, યુવા અને શિક્ષણ સંબંધીત કાર્યક્રમોના આયોજન થવા જઇ રહ્યા છે.

કલા, સાંસ્‍કૃતિ, વાણિજ્‍ય - ઉદ્યોગ, યુવા અને શિક્ષણ આ સંગમના મુખ્‍ય આધાર બિંદુઓ છે. જેમાં કલા અંતર્ગત ચિત્રકામ, પર્ફોમિંગ આર્ટ, ડ્રામા પ્રદર્શન, સાહિત્‍ય, બીચ/સેન્‍ડ આર્ટ, પરંપરાગત લોક સંગીત હસ્‍તકલા સંસ્‍કૃતિ અંતર્ગત શિલ્‍પ સ્‍થાપત્‍ય, ભાષાઓ, વાનગીઓ અને હેરીટેજ વાણિજ્‍ય - ઉદ્યોગ અંતર્ગત શોપિંગ ફેસ્‍ટિવલ, કાપડ અને હેન્‍ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન, યુવા અંતર્ગત રમતગમત, સંવાદ, શિક્ષણ અંતર્ગત શૈક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષાના વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.

શ્રી ઋષિકેશ પટેલએ સૌરાષ્‍ટ્રવાસીઓને આહ્‌વાન કરતા કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં સરકાર તો કામ કરી જ રહી છે પરંતુ લોક ભાગીદારી પણ તેમાં ખૂબ આવશ્‍યક છે. દાદા સોમનાથની ધરતી પર સૌરાષ્‍ટ્રના આપણા ભાઇઓ-બહેનોને આવકારવા, રાજા દ્વારકાધીશની ધરતીનો તેમને ફરી અનુભવ કરાવવા, રંગીલા રાજકોટવાસીઓ - સૌરાષ્‍ટ્રવાસીઓને તમિલથી આવતા સૌરાષ્‍ટ્રવાસી ભાઇઓ-બહેનોને પોતિકાપણાનો અનુભવ કરાવી, તેમને પોતાના ઘરે આવ્‍યાનો અનુભવ કરાવવા અનુરોધ કર્યો હતો.

આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત સાથે જોડવાના પ્રયત્‍નો ૨૦૦૫થી કરવામાં આવી રહ્યા હતા અને ૨૦૧૦માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મદુરાઇ ખાતે વિરાટ સૌરાષ્‍ટ્ર સંગમનું આયોજન કરેલું હતું. પણ સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત આવો અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ‘એક ભારત શ્રેષ્‍ઠ ભારત'ની સંકલ્‍પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્‍પના આ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઇ રહી છે.

વર્ષોથી તમિલનાડુમાં વસેલા આ સૌરાષ્‍ટ્રવાસીઓ આજે પણ સૌરાષ્‍ટ્રના રિતીરિવાજ, લગ્ન, પધ્‍ધતિ, યજ્ઞ, ભજન સંસ્‍કૃતિ, સાંસ્‍કૃતિક વારસાને જાળવીને પણ ત્‍યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. ૧૨૦૦ વર્ષ પછી આજે આ સમુદાયએ તમિલનાડુમાં સૌરાષ્‍ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ, ભાષા, સંસ્‍કૃતિ, સાહિત્‍ય, વણાટ કલા સર્વેનો વારસો જાળવી તમિલનાડુમાં દરેક ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ યોગદાન આપ્‍યું છે. સામાન્‍ય રીતે આપણા ગુજરાતી ભાઇ-બહેનો દેશભરના અનેક રાજ્‍યમાં તેમજ વિશ્વમાં અનેક દેશોમાં પણ છે પરંતુ સૌરાષ્‍ટ્રમાંથી આ તમિલ સમુદાય અને મૂળ ગુજરાતી એવા સમુદાયની ખાસિયત વચ્‍ચે થોડો તફાવત એ છે કે, સૌરાષ્‍ટ્રવાસી આ સમુદાય સામૂહિક રીતે હિજરત કરી ગયા પછી પોતાના મૂળથી સંપૂર્ણ કપાઇ ગયો હતો. આમ છતાં તેણે પોતાની તમામ પ્રકારની સૌરાષ્‍ટ્રવાસી તરીકેની પ્રણાલિકાઓ અખંડ રીતે જાળવી રાખી છે.

(4:05 pm IST)