Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

10મીએ સુરતના અડાજણના રીવરફ્રન્ટ ગ્રાઉન્ડમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશને રંગબેરંગી બનાવી દેશે

 

સુરત: જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે આગામી તા.10મીએ  સવારે 9.0 વાગે અડાજણના રીવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે .

મહોત્સવમાં દેશ-વિદેશના 110 પતંગબાજો દ્વારા અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશને રંગબેરંગી બનાવી દેશે. જેનું ઉદ્દધાટન મંત્રી હસ્તે કરવામાં આવશે. પતંગ મહોત્સવને સુરતની જનતા પણ માણી શકે તે હેતુથી સુચારૂ આયોજન અર્થે કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર સંજય વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સંજય વસાવાએ જણાવ્યું હતું કે, સુરતમાં આગામી 10મીએ 16 દેશોના 50 અને ભારતના વિવિધ રાજ્યોના 40 તથા રાજ્યના 20 પતંગબાજો પોતાના અવનવા કરતબો દર્શાવી સુરતીઓનું મનોરંજન કરશે. વિદેશી પતંગબાજો આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય તેમજ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય આતિથ્ય ભાવનાની પરંપરાથી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

બેઠકમાં વિવિધ શાળાઓના બાળકો, દિવ્યાંગોને તલના લાડુ, ચીકી અને પતંગનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્ટોલ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ ડેકોરેશન, આમંત્રણ પત્રિકા, પાર્કિગ, શામિયાણું, સહિતની વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તે માટે સંબંધિત વિભાગોને સંકલનમાં રહી આયોજન કરવા જણાવ્યું હતું.

બેઠકમાં પ્રવાસન વિભાગ, પોલિસ વિભાગ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, માહિતી વિભાગ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:23 pm IST)