Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગુજરાત : ઠંડીના પ્રમાણમાં ફરી વખત નોંધાયેલ વધારો

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી : ગુજરાતમાં ભુજમાં સૌથી વધારે ઠંડી : પારો ૭.૦ નોંધાયો

અમદાવાદ, તા.૧ : અમદાવાદ સહિત ગુજરાત ભરમાં ઠંડીનુ પ્રમાણ અકબંધ રહ્યું છે. આજે પણ લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે સવારમાં જોરદાર ઠંડીનો અનુભવ કર્યો હતો.આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી, ડિસામાં ૧૦.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨.૨ ડિગ્રી રહ્યું હતું. જ્યારે નલિયામાં ૭.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી કોલ્ડ વેવની માટેની કોઈ ચેતાવણી જારી કરવામાં ન આવતા સામાન્ય લોકોનીરાહત થઈ છે. આવતી કાલે અમદાવાદમાં પારો વધશે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.

              તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી વ્યકત કરાઇ છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

         હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. ઠંડીમાં એકાએક વધારો થતાં ઠંડીના ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જે ભાગોમાં આજે પારો ૧૦થી નીચે પહોચ્યો હતો અમરેલીમાં ૮.૬, નલીયામાં ૭.૮, કંડલા એરપોર્ટમાં ૯.૮ કેશોદમાં ૮.૮, રાજકોટમાં ૮.૭ સુધી પારો રહ્યો હતો. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાતના જુદા જુદા ભાગો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જેથી રાત્રિગાળામાં જનજીવન પર અસર થઈ છે. મોડી સાંજ સુધી લોકો હવે બહાર જોવા મળતા નથી. ઘરમાં રહેવાનું જ લોકો પસંદ કરી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ....................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૨.૮

ડિસા............................................................ ૧૨.૬

ગાંધીનગર................................................... ૧૨.૨

વડોદરા....................................................... ૧૩.૩

સુરત........................................................... ૧૪.૪

કેશોદ............................................................. ૮.૮

પોરબંદર..................................................... ૧૦.૬

અમરેલી......................................................... ૮.૬

રાજકોટ.......................................................... ૮.૭

સુરેન્દ્રનગર.................................................. ૧૧.૫

મહુવા.......................................................... ૧૧.૩

ભુજ................................................................... ૭

નલિયા........................................................... ૭.૮

(9:43 pm IST)