Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાજપીપળામાં ગુજરાત ફોરેસ્ટ રેંજર્સ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત

વાડિયા પેલેસના મુખ્ય દ્વાર પાસે દાનની દીવાલ નામની સેવાકીય કાર્ય શરૂ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: હાલ ફેશન એટલી હદે વધી ગઈ છે કે કપડાં, બુટ અથવા કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા જ ગણતરીના સમયમાં તેનું અપગ્રેડેશન કરી કંપની માર્કેટમાં મૂકી દે છે.એટલે લોકો પણ પોતે ખરીદેલી જૂની વસ્તુઓ બાજુએ મૂકી નવી અપગ્રેડ થયેલી પ્રોડક્ટ ખરીદતા હોય છે.એક સમય એવો પણ આવે છે કે ભેગી થયેલ જૂની વસ્તુઓનો ઢગલો ક્યાંક ફેકી દેવાય છે.ત્યારે બીજી તરફ દેશમાં અમુક વર્ગ એવો પણ છે કે જેમને શરીરે પહેરવા કપડાં કે પગરખાં પણ નસીબ નથી હોતા. અને આવા વર્ગ પાસે એટલા રૂપિયા પણ નથી હોતા કે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે.ત્યારે જૂના થઇ ગયેલા કપડાં,પગરખાં ફર્નિચર સહિત ની જીવન જરૂરિયાતની વસ્તુઓ ફેકી દેવા કરતા ગરીબ અને જરૂરિયાત મંદોને કામ આવે એવા ઉમદા આશયથી ગુજરાત ફોરેસ્ટ રેંજર્સ કોલેજ ના સૌજન્યથી વાડિયા પેલેસના મુખ્ય દ્વાર પાસે દાન ની દીવાલ નામની એક સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે.

   આ બાબતે ગુજરાત ફોરેસ્ટ રેંજર્સ કોલેજ ના આચાર્ય ડૉ. કે રમેશે જણાવ્યું હતું કે ધર્મ માં દાનનું ખૂબ મહત્વ છે, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને અમારી પાસે જગ્યા હતી સાથે આજે નવું વર્ષ શરૂ થયું ત્યારે એક સારો વિચાર આવ્યો કે કોઈ જરૂરિયાતમંદ નું ભલું થાય માટે આ અભિગમ સાથે આજે દાનની દીવાલ નામની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા દાની અને દાન લેનાર બંને ગુપ્ત રહે છે. ઉપરાંત લોકોને પોતાની પાસે રહેલી વધારાની વસ્તુઓ અહીં મુકવા પણ અનુરોધ કર્યો હતો.

 થોડા સમય પહેલા આજ રીતે કેટલાક સેવાભાવી લોકો એ પણ રાજપીપળા ચિલ્ડ્રન હોમ પાસે ભલાઈ ની દીવાલ શરૂ કરી હતી પરંતુ ત્યાં પગાર આપવા છતાં સાચવનાર વ્યક્તિ ન મળતા અને કપડાં લેવા આવતા કેટલાક જરૂરિયાતમંદો પણ કપડાં પસંદ ન પડતા ત્યાં બોક્ષ માં કે રેક પર ન મુકી જેમતેમ ફેંકી દેતા કપડાં રસ્તે રઝળતા જોવા મળ્યા જેથી આ સેવાકાર્ય આખરે બંધ કરવાની નોબત આવી હતી. ત્યારે સેવાભાવી વ્યક્તિ ઓનો ઉમદા આશય આવા કેટલાંક કારણોસર નિષ્ફળ જતો હોય માટે યોગ્ય આયોજન બાદ જ આવા સેવાકાર્ય ની શરૂઆત જરૂરી થઈ પડે છે

(8:56 pm IST)