Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સુરતના પાંડેસરામાં અર્બન હેલ્થ સેન્ટર નજીક ગટરમાંથી યુવકની લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

સુરત: શહેરના પાંડેસરા સ્થિત એસએમસી અર્બન હેલ્થ સેન્ટર નજીક ગટરની કુંડીમાંથી પાંચ માસ અગાઉ મળી આવેલા હાડપિંજરના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસને ગત તા. 16 જુલાઇના રોજ પાંડેસરા-વડોદ રોડ સ્થિત એસએમસી અર્બન હેલ્થ સેન્ટર નજીક રોડ પર ગટરની કુંડીમાંથી અજાણ્યા યુવાનનું હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે જે તે વખતે અકસ્માત મોતનો ગુનો નોંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આજ રોજ ફોરેન્સિક વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં મરનારના માથાના ભાગે ઇજા અને ફ્રેકચર હોવાનું અને પોસ્ટમોર્ટમ કર્યાના એક અઠવાડિયાથી એક મહિના અગાઉના સમયગાળામાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોતનું કારણ જાણવા માટે ફોરેન્સિક વિભાગ દ્વારા ડાયટોમ એનાલીસીસ અને કેમિકલ એનાલીસીસ રિપોર્ટ પણ કરાવ્યો હતો. જેમાં મૃતક અજાણ્યા 20થી 30 વર્ષીય યુવાનને માથામાં થયેલી ઇજા માનવસર્જીત ઇજા હોવાનું જણાવતા પોલીસે હાલમાં અજાણ્યા યુવાનની હત્યા સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(5:44 pm IST)