Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

મહેસાણાના રાધનપુર રોડ પરની પાંજરાપોળમાં ફૂડ પોઈઝનિંગની અસરથી 70 પડાઓના કરૂણમોત

લીલું ઘાસ આરોગ્યા પછી એકાએક પશુઓ ટપોટપ મરવા લાગ્યા : પશુ ચિકિત્સકોની નવ ટીમો દોડી

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગની અસર થતા ૭૦ જેટલા પાડાઓના કરૃણ મોત થયા હતા. બપોરના સુમારે નિત્યક્રમ મુજબ લીલું ઘાસ આરોગ્યા પછી એકાએક ઝેરની અસર થતાં પાંજરાપોળ કંપાઉન્ડમાં મુંગા પશુઓ એકપછી એક ટપોટપ મરવા લાગ્યા હતા

 . ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સકોની ૯ ટીમો દોડી આવી હતી અને અસરગ્રસ્ત અન્ય પશુઓની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી.મહેસાણાના રાધનપુર રોડ સ્થિત પાંજરાપોળમાં પાડા, ભેંસ, ગાયો અને બકરા મળીને ૯૩૮ જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. દરમિયાન બપોરના સુમારે પાંજરાપોળમાં રાખવામાં આવેલા ઢોરોને મકાઈનું ઘાસ ખાવા માટે રોજિંદા ક્રમ મુજબ આપવામાં આવ્યું હતું. જોકે ઘાસ આરોગ્યા બાદ ૩૫૦ જેટલા પાડાઓને ફૂડ પોઈઝનીંગની ગંભીર અસર થઈ હતી અને ત્યારબાદ પાણી પીતા અસરગ્રસ્ત પાડાઓ પૈકીના ઢોર એક પછી એક ટપોટપ મોતના મુખમાં ધકેલાયા હતા. જેમાં ૭૦ જેટલા પશુઓના મોત થયા હતા

 .ઘટનાની જાણ થતા પાંજરાપોળના ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટના અંગેની જાણ કરવામાં આવતા દૂધસાગર ડેરીની પાંચ અને મહેસાણા પશુપાલન તબીબની ચાર ટીમો દોડી આવી હતી પશુ ચિકિત્સકોએ તાબડતોબ ઝેરી ઘાસ ખાવાના કારણે ફૂડ પોઈઝનીંગની અસરમાં આવેલા અન્ય ઢોરોને ઘનિષ્ઠ સારવાર આપવાનું શરૃ કર્યુંહતું. જેના કારણે અસરગ્રસ્ત બનેલા મોટાભાગના પશુઓને બચાવી લેવાયા હતા. બીજી તરફ મૃત્યુ પામેલા ઢોરોની નોંધણી કરીને તેમના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો

(1:06 pm IST)