Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ભરત યાજ્ઞિક લિખિત નાટક 'નાયક-પ્રતિનાયક'ને હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પારિતોષિક

રાજકોટ તા. ૧ : નાટયલેખક, ઉદ્દઘોષક, સંચાલક ભરત યાજ્ઞિક લિખિત હિન્દી નાટક 'નાયક-પ્રતિનાયક' ને હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક એનાયત કરાયો છે. આ નાટકમાં નાયક શ્રીકૃષ્ણની સામે બે બે પ્રતિનાયકો સુયોધન-કર્ણના પોત પોતાના સત્યોનો સંઘર્ષ રજુ થયો છે. પ્રથમ દ્રશ્યમાં શ્રીકૃષ્ણ પાંડવોના દુત બનેલા જોવા મળે છે. તો બીજા દ્રશ્યમાં યુધ્ધ રોકવાના કર્ણને પાંડવો તરફી કરવાનો અંતિમ દાવ ખેલતા શ્રીકૃષ્ણ જોવા મળે છે. ટુંકમાં દર્શકોને આ નાટકમાં કઇક અલગ અંદાજની અનુભુતિ થાય છે. ગુજરાતી અને હિન્દી નાટકમાં આ પહેલા પણ પ્રથમ પારિતોષિક મેળવી જનાર ભરત યાજ્ઞિકના સંપૂટમૉ વધુ એક પારિતોષિક ઉમેરવામાં આ હિન્દી નાટક સફળ રહ્યુ છે. આકાશવાણીના માધ્યમથી શ્રોતાઓના ચહીતા બની ગયેલા ભરત યાજ્ઞિક નિવૃત્તિ બાદ પણ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ પુરવાર થયા હોય તેમ નાટય લેખન પુરબહારમાં શરૂ કર્યુ છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત બલરાજ સહાની એવોર્ડ, ૧૯૯૭ માં ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને વર્ષ ૨૦૧૨ માં વડોદરાના 'ત્રિવેણી પુરસ્કારથી વિભુષિત થઇ ચુકયા છે. ભરત યાજ્ઞિક (મો.૯૮૭૯૫ ૫૫૮૧૫) લખેલા 'રામવાળો', 'છોરૂ કછોરૂ', 'શેતલને કાંઠે', 'તુગલક', 'આંખોની આરપાર', 'પહાડનું બાળક' સહીતના નાટકો ખુબ ખ્યાતિ પામેલ છે.

(11:38 am IST)