Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વરુણ 'કલંક'ની નિષ્ફળતાથી નિરાશ થઇ ગયો

મુંબઇ:  વરુણ ધવન બુધવારે ૩૨ વરસનો થયો. તેના જન્મદિવસે કોઇ મોટી ઇવેન્ટ રાખવામાં આવી નહોતી. પરતુ તે પોતાના મિત્રો સાથે થાઇલેન્ડ ઉપડી ગયો હતો. જોકે તેના પિતા ડેવિડ ધવને પુત્રના જન્મદિવસના મોકા પર પુત્ર સાથે 'કુલી નં વન'ની રીમેક બનાવાની ઘોષણા કરી હતી. તેમાં વરુણ સાથે સારા અલી ખાનને પણ લેવામાં આવી છે. ડેવિડ ધવનને પોતાના આગામી પ્રોજેક્ટની ચર્ચા ધામધૂમથી કરવી હતી. પરંતુ વરુણે એ ઇવેન્ટનો હિસ્સો બનવાનો ઇનકાર કર્યો હતો અને તે થાઇલેન્ડ રજાઓ માણવા જતો રહ્યો હતો. વરુણ 'કલંક'ની નિષ્ફળતાથી  નિરાશ થઇ ગયો છે. તેથી તે મીડિયાકર્મીઓથી થોડો સમય દૂર રહેવા માંગે છે. એ ફિલ્મ વરુણની કારકિર્દીની સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી પરંતુ બોક્સ ઓફિસ પર તે ચાલી શકી નહીં. ફિલ્મ રીલિઝના ચોથા દિવસે જ કલેકશન ઘણું નીચું ઊતરી ગયું હતું. પરિણામે આ ફિલ્મ ફ્લોપ ફિલ્મોની યાદીમાં આવી ગઇ. તેથી વરુણ નિરાશ થયાની અટકળ લોકો બાંધી રહ્યા છે.વરુણની 'કલંક' પહેલાં એક પણ ફિલ્મ ફ્લોપ નથી ગઈ.વરુણે પોતાને મળતી સતત સફળતા પર જણાવ્યું હતું કે,'' હું નિષ્ફળતાથી ડરતો નથી. દરેક ફિલ્મને હું પડકારરૂપ તરીકે લઉં છું.હું દરેક ફિલ્મ માટે બહુ મહેનત કરું છું અને મારા અભિનયમાં વધુને વધુ સુધાર લાવવાના પ્રયાસ કરું છું. '' જ્યારે  લગાતાર સફળ થતા હો ત્યારે સ્વાભાવિક  રીતે જવાબદારી વધતી જતી હોય છે. 

(5:28 pm IST)