Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ફિલ્મ ‘છપાક’નું પહેલુ લુક પોસ્ટર રિલીઝ : એસિડ એટેકના લુકમાં નજરે પડી દીપિકા પાદુકોણ

મુંબઈ: મેઘના ગુલઝારની ખુબજ આતુરતા પુર્વક રાહ જોવાતી ફિલ્મ ‘છપાક’નું પહેલુ લુક પોસ્ટર રિલીઝ થઈ ચુક્યુ છે. આ ફિલ્મ એટલે પણ ખાસ છે કેમકે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મ એસિડ એટેક પર આધારિત છે. પીડિત લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત આ ફિલ્મમાં દીપિકાનો જે લુક છે તે જોતા દર્શકો અવાચક રહી ગયા. છપાક ફિલ્મમાં દીપિકા પોતાની કેરિયરનો સૌથી કસોટી સમાન રોલ નિભાવશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ માલતીનો દમદાર રોલ નિભાવશે. મેઘના ગુલઝાર એક એવું નામ જે પોતાના કામને લઈને એટલી કાળજી રાખે છે કે તેની દરેક ફિલ્મો સફળ થશે જ તે અમીટ છાપ ધરાવે છે. મેઘના ગુલઝાર એટલે દિગ્ગજ ગીતકાર એવા ગુલઝાર અને ખુબજ સફળ તેમજ અભિનયના ક્ષેત્રે એક સમયે જેનો દબદબો હતો એવા રાખી ગુલઝારની પુત્રી. મેઘનાએ ફિલ્મ ક્ષેત્રે જ કસબ અજમાવ્યો પણ ન તો તે ગીતકાર બની કે માતાની જેમ અભિનય કર્યો મેઘના પડદા પાછળ રહી ફિલ્મોનું નિર્દેશન સંભાળે છે. મેઘના જે પણ ફિલ્મો કરે કલાકારો તેની સાથે કામ કરવા આતુર હોય છે. દીપિકા પાદુકોણે પહેલા પોસ્ટરને શેર કરતાં લખ્યુ છે કે, ‘માલતી એક એવું પાત્ર જે મારી સાથે હંમેશા રહેશે.’ ફોટાઓમાં દીપિકા પાદુકોણને ઓળખવી અશક્ય છે એ રીતનો તેનો લુક છે. દીપિકા હૂબહુ લક્ષ્મી અગ્રવાલ જેવી લાગી રહી છે. ફિલ્મ છપાક 10 જાન્યુઆરી 2020 રિલીઝ થશે. પ્રશંસકો તો અત્યારથી જ આફિલ્મને સુપર ડુપર હીટ તેમજ 2020ની બેસ્ટ ફિલ્મ માની રહ્યા છે.

(5:57 pm IST)