Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

એક નારીની લૂંટાયેલી લાજ ખાતર બે યોધ્ધાઓ વચ્ચે ખેલાયેલા સંગ્રામની કહાની ફિલ્મી પરદે ઉતારાઇ

મહાકાવ્ય જેવી ફિલ્મ 'ધ લાસ્ટ ડયુએલ' રિલીઝ

આજથી વિશ્વભરમાં રજૂઆત પામેલી 'ધ લાસ્ટ ડયુએલ' અર્થાત 'આખરી સંગ્રામ' એક એપિક (મહાકાવ્ય જેવી ભવ્ય) ફિલ્મ છે જેને દુનિયાભરના ફિલ્મ સમિક્ષકોએ પોત પોતાની રીતે વખાણી, વગોવી તેમજ એટલાજ ઉત્સાહથી વધાવી પણ છે.

સાલ ૧૩૮૬ના ફ્રાન્સમાં ઘટાયેલી એક સત્ય ઘટના પર આધારિત આ એક એતિહાસિક ફિલ્મ છે જે ૧૩મી સદીના ફ્રાન્સની પુષ્ટભૂમિ પર ફિલ્માવાયેલી છે. ૧૩મી સદીના ફ્રાન્સ પર સાલ ૧૩૮૦ થી ૧૪૨૨ દરમ્યાન ચાર્લ્સ ૬ઠો નામનો એક સાયકિક (માનસિક રીતે વિકલાંગ હોય તેવો) સનકી  રાજા રાજ કરી ગયો. આ રાજાને બે પ્રમુખ યોધ્ધાઓ હતા જેમનામાં રહેલી વિશેષ લાયકાતોને ધ્યાનમાં લઈને તેમણે બંનેને નાઈટ ના માનદ બિરુદથી નવાજેલા.

આ બંને નાઈટોમાં પ્રથમ યોધ્ધા હતો જીન ડી કારોઉગસ જે તમામ પ્રકારની યુદ્ઘ કળાઓમાં કુશળતા ધરાવતો હતો. તેણે પોતાની યુદ્ઘ કળાની વિશેષ કોઠાસુઝથી ફ્રાન્સના રાજાને ઘણી બધી લડાઈઓ જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આમાંનો બીજો નાઈટ હતો યોધ્ધા જેકવેસ લી ગ્રીસ. તે ગમે તેવી આવનારી મુસીબતને અગાઉથીજ પારખી લેતો અને રાજાની ચાપલુસી કરતો જેના કારણે રાજાએ તેને પોતાનો સ્કીવીર (રાજનો વિશેષ સલાહકાર) તરીકે નીમેલો.

 રાજાની ચાપલુસી કરવાના તેના વિશીસ્ટ ગુણથી તેના પર ખુશ થઈને રાજ દરબાર તરફથી તેને અવારનવાર મોંઘી ભેટ સોગાતો  ઇનામ સ્વરૂપે મળતી રહેતી જેના કારણે તે પુષ્કળ જમીનો અને મિલકતોનો માલિક બની ગયેલો. તે કોઈપણ  સ્ત્રીને પોતાની મારકણી અદાઓથી સંમોહિત કરી શકવાની આવડત ધરાવતો  સ્ત્રી આશકત, વ્યાભીચારી લુચ્ચો, કપટી અને દગાબાજ હતો.

આમ ૧૩મી સદીના ફ્રાન્સના રાજા ચાર્લ્સ ૬ઠાના આ બંને યોધ્ધાઓ એકબીજાથી ભિન્ન સ્વભાવના હોવા છતાપણ બંને એકબીજાના જીગરજાન મિત્રો હતા.

એક દિવસ રાજા ચાર્લ્સ ૬ઠાએ તેના પિત્રાઈ ભાઈ કાઉન્ટ પાયરી ડી એલન્કનને આ બંને યોદ્ઘાઓના સરદાર નિયુકત કરી દીધા અને આ બંને યોદ્ઘાઓને તેમના રક્ષણની તેમજ તેમની પ્રતિષ્ઠાની તમામ જવાબદારીઓ સોંપી દીધી.

એક વખત લી ગ્રીસ તેના જીગરજાન મિત્ર ડી કારોઉગસની મુલાકાતે આવે છે અને તેને તેમના સરદારએ કરેલા હુકમ મુજબ તેના તમામ નવા વસાહતીઓને યુદ્ઘનો કર ચૂકવવાનો આદેશ આપે છે.

ડી કારોઉગસ તેને વિનવે છે કે તેની પાસે ચૂકવવા માટે ભંડોળનો અભાવ છે પરંતુ સરદારના હુકમ મુજબ યુદ્ઘનો કર ચૂકવવો જરૂરી છે. ઘણા મનોમંથન પછી અંતે સરદારનો યુદ્ઘ કર ચુકવવા માટે ડી કારોઉગસ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. લગ્ન કરવા પાછળ તેની ગણતરી માત્ર એટલીજ છે કે લગ્ન કરીને તેને જે કાંઈપણ રકમ દહેજમાં મળશે તેમાંથી તે તેના સરદારનો તમામ કર્જ ચૂકવી દેશે.

ડી કારોઉગસ એક અતિ સુંદર યુવતી માર્ગુરાઇટ સાથે લગ્ન કરે છે. તેના સસરા પાસેથી તેને ખુબજ મોટી રકમ દહેજમાં મળે છે જેમાં ખુબજ કિંમતી દાગીના, હીરા જવેરાત અને અન્ય માલ મિલકત ઉપરાંત તેમની કિંમતી જમીનનો પણ સમાવેશ થાય છે.

સમય જતા ડી કારોઉગસને એવુ માલુમ પડે છે કે તેના સસરાની માલિકીની એક ખુબજ કિંમતી જમીન પર તેના સરદાર ડી એલન્કનએ ગેરકાયદેસર રીતે કબજો કરીને તે જમીન પોતાના ચાપલુસીયા લી ગ્રીસને ભેટ સ્વરૂપે આપી દીધી છે.

ડી કારોઉગસ તેના જીગરજાન મિત્ર લી ગ્રીસને તેના સસરાની જમીન પરત આપવા માટે આજીજી કરે છે પરંતુ લી ગ્રીસ તે અતિ કિંમતી  જમીનને કોઈપણ ભોગે છોડવા માટે તૈયાર નથી.

અહીંયાથી બંને જીગરજાન મિત્રો વચ્ચે દુશ્મનીના બીજ રોપાઈ છે. વખત જતા બંને એકબીજાના કટ્ટર દુશ્મનો બનીને એકબીજાના લોહીના  તરસ્યા બની જાય છે.

 માર્ગુરાઇટ પોતે પણ લી ગ્રીસ તરફ અકર્ષાણી હોવા છતાપણ તે તેનો પ્રેમ કબુલ કરતી નથી અને તેની તાબે થતી નથી. લી ગ્રીસ પોતાની હવસ સંતોષવા માર્ગુરાઇટને એક કમરામાં બળજબરીપૂર્વક લઇ જાય છે. તે કમરાનો દરવાજો અંદરથી બંધ કરે છે.

કમરામાં અંદર શું બન્યું તેની કોઈને કશી ખબર નથી પરંતુ યુદ્ઘ મોરચેથી  તેનો પતિ પરત આવતા માર્ગુરાઇટ તેને પોતાના પર થયેલા બળાત્કાર વિષે કહે છે. તે આ અમાનુષી અત્યાચારનો બદલો લેવા પોતાને ન્યાય આપવા ફ્રાન્સના રાજા તેમજ સમગ્ર ન્યાયતંત્રને પડકારે છે.

ફ્રાન્સના કોર્ટ રૂમોમાં થયેલી દલીલોથી આ મસલાનો કોઈ ઉકેલ નથી આવતો. અંતે ન્યાયના હીત ખાતર ફ્રાન્સના ઇતિહાસમાં છેલ્લી વાર બે યોધાઓને એકબીજા સાથે જીવન મરણનો આખરી સંગ્રામ ખેલી લેવા માટે કાયદેસરની મંજુરી આપવામાં આવે છે. આખરે સંગ્રામ ખેલાવવાનો એ દિવસ આવી પહોંચે છે.

ફ્રાન્સના પેરીસ શહેરમાં વર્ષ ૧૩૮૬ના ડીસેમ્બર મહિનાની ૨૯મી તારીખે બંને યોધ્ધાઓ યુદ્ઘના મેદાનમાં ઘાતકી હથિયારો વડે સુસજ્જ થાય છે. એકબીજાના લોહીના તરસ્યા બંને એકબીજાનો જીવ લેવા માટે પુરતા જનુનથી એકબીજાની ઉપર ઘસી આવી એકબીજાની ઉપર જાનલેવા ઘાતકી હુમલો કરે છે અને....... જીવન મરણના આ સંગ્રામમાં કોણ જીતે છે એ જીવ સટોસટીના દિલ ધડક દ્રશ્યોવાળા ફાઈટ સિનો સ્પેશીયલ ઈફેકટસની કમાલ સાથે જોવા મળશે.

'ધ લાસ્ટ ડયુએલ' નામની આ એતિહાસિક વાર્તાના હદયમાં જે રહસ્ય દબાયેલુ પડ્યું તેને છેલ્લા ૭૦૦ વર્ષોથી આજ સુધી કોઈ સુલજાવી શકયું નથી.

૧૩મી સદીના ફ્રાન્સમાં વર્ષ ૧૩૮૬માં એ નારી પર સાચેજ કોઈ બળાત્કાર થયેલો કે નહિ એ બાબતજ એક રહસ્ય છે જે ઇતિહાસના પાનાઓમાં આજ દિવસ સુધી અકબંદ છે.(૨૧.૪)

કમલ ફુલસિંહ જારોલી

kamalfjaroli@gmail.com (મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬)

(10:16 am IST)