Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

''રામ જન્મભૂમિ''નું ટ્રેલર લોન્ચ : ડિસેમ્બરમાં રીલીઝ થશે

૧૯૯૦માં કારસેવકો ઉપર થયેલ ગોળીબાર બાદની અયોધ્યાની સ્થિતિ ઉપર આધારીત ફિલ્મ : આ ફિલ્મ રામ મંદીરની તરફેણમાં નિવેદન કરનાર શિયા વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રીઝવીએ બનાવી છે

 નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર શિયા વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રીઝવીએ રામજન્મભૂમિ ઉપર એક ફિલ્મનું નિર્માણ કર્યું છે. જેમાં ૧૯૯૦માં થયેલ કારસેવકો ઉપરના ગોળીબાર બાદ ઉભી થયેલ સ્થિતિ આધારીત ફિલ્મ  ''રામજન્મભૂમિ''નું  ટ્રેલર ગઇકાલે રીલીઝ થયું હતુ. આ ફિલ્મ ડિસેમ્બરમાં રીલીઝ થશે.

વસીમ રીઝવીએ લોન્ચીંગ પ્રસંગે જણાવેલ કે ફિલ્મમાં કોઇ સમુદાય કે પછી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી નથી તેમજ સમાજમાં ફેલાયેલ બદીઓને ફિલ્મના માધ્યમથી સામે લાવવાનો પ્રયાસ કરાયો છે. નફરતનો માહોલ ખતમ કરવાનો ફિલ્મનો ઉદેશ છે.  આ ફિલ્મની વાર્તા તેમણે જ લખી છે અને નિર્માતા પણ રીઝવી જ છે. ફિલ્મના મોટા ભાગના દ્વશ્યો અયોધ્યામાં જ શુટ કરવામાં આવ્યા છે.

 ફિલ્મની સ્ટોરીમાં મુખ્ય પાત્ર તરીકે સદાનંદ શાસ્ત્રી નામના વ્યકિત રીટાયરમેન્ટ બાદ રામ જન્મ ભૂમિ નિર્માણ સંબધમાં સક્રિય છે. ફિલ્મમાં વિલન તરીકે મૌલાના ઝફર ખાન પાકિસ્તાની એજન્ટ  છે, જે વિદેશથી પૈસા મેળવી ષડયંત્ર રચતો અને મસ્જીદના નામે મુસલમાનોને ભડકાવતો ફિલ્મમાં નજરે પડશે. તે હિન્દુ અને મુસલમાનો વચ્ચે દંગા ઉભા કરવાના પણ પ્રયાસો કરશે પણ અંતમાં મુસલમાનો તેની હકીકત જાણી જાય છે. અને તેને પાકિસ્તાન ભેગો થવા મજબુર કરશે. રીઝવી પણ ફિલ્મમાં અભીનય કરતા નજરે પડશે.

(1:35 pm IST)