Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રજનીકાંતનો ૬૯મો જન્મદિનઃ તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને કરોડો પ્રસંશકો બનાવ્યા

અમદાવાદ :બોલિવુડથી લઈને ટોલિવુડ સુધી પોતાનું સ્ટારડમ જાળવી રાખના, પોતાના ફેન્સના ચહીતા થલાઈવા એટલે કે રજનીકાંત હંમેશા પોતાની ફિલ્મોમાં નવા રેકોર્ડ બનાવતા રહે છે. રજનીકાંત ફિલ્મોના રોલથી જ નહિ, લોકોના દિલમાં રાજ કરે છે. આજે રજનીકાંતનો 69મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના જીવનની કેટલીક ખાસ બાબતો જાણીએ. રજનીકાંતને તેમના ફેન્સ ભગવાન માને છે. પરંતુ આ લેવલ પર પહોંચવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને રનીજકાંતે કરોડો પ્રશંસકો બનાવ્યા છે. એક સમયે કંડક્ટરનું કામ કરનાર રજનીકાંત આજે એશિયામાં સૌથી વધુ ફી લેનારા એક્ટર બની ગયા છે.

રજનીકાંતે સુપરસ્ટાર બનાવાની કહાની કોઈ ફિલ્મી સ્ક્રીપ્ટથી ઓછી નથી. રજનીકાંત એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ સૌથી પહેલા તો કારપેન્ટરની નોકરી કરી હતી. જેના બાદ જ્યારે મદ્રાસ સરકારે બસ કંડક્ટરની નોકરી કાઢી તો રજનીકાંતે તેમાં ફોર્મ ભર્યું હતું અને પરીભા પાસ કરી હતી. તેના બાદ તેઓ બીટી બસમાં કંડક્ટરની નોકરી કરવા લાગ્યા હતા. બસ અહીંથી જ તેમને ફિલ્મોમાં કામ કરવામાં રસ જાગ્ય હતો.

ફિલ્મોમાં રસ હોવાને કારણે રજનીકાંતે મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું અને નાટકોમાં પણ કામ કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક મોટા ફિલ્મ નિર્દેશક કે. બાલાચંદરની નજર રજનીકાંત પર પડી હતી. તેઓએ રજનીકાંતને ફિલ્મની ઓફર આપી હતી.

રજનીકાંતે તરત ફિલ્મની ઓફર સ્વીકારી લીધી હતી, ફિલ્મમાં તો રજનીકાંતનો નાનકડો રોલ હતો, પણ તેમના અભિયને નવી ઓળખ બનાવી હતી. ફિલ્મ હતી અપૂર્વા રાગંગાલ.. જેના બાદ રજનીકાંતે ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

બિલ્લા (1980), થલપતિ(1991), અન્નામલાઈ (1992), ચંદ્રમુખી (2005),  બાશા(1995), રાના(2012), મુથૂ(1995), અરુણાચલમ (1997), બાબા (2002), શિવાજી ધ બોસ (2007), રોબોટ (2010), લિંગા (2014), કોચાદાઈયા, કબાલી વગેરે ફિલ્મો રજનીકાંતની પોપ્યુલર ફિલ્મો છે.

રજનીકાંતે બોલિવુડમાં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેમની પહેલી ફિલ્મ અંધા કાનૂન હતી. આ ફિલ્મમાં રજનીકાંત સાથે હેમા માલિની અને મહાનાયક અમિતાભ બચ્ચન હતા. રજનીકાંતે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ઓપન કર્યું, તો 24 કલાકમાં 2,10,000 ફોલોઅર્સ થઈ ગયા હતા.

રજનીકાંતની અત્યાર સુધીની છેલ્લી ફિલ્મ Petta હતી અને આગામી ફિલ્મ દરબાર છે.

રજનીકાંતને સાઉથમાં સુપરસ્ટાર તરીકે નહિ, પણ લોકો ભગવાનની જેમ પૂજે છે. આ જ કારણે દક્ષિણના એક ફેનએ તેમનું મંદિર પણ બનાવ્યું છે.

રજનીકાંતે 24 ફેબ્રુઆરી, 1981માં લતા રંગાચારી સાથે લગ્ન કર્યા હતા. લતાએ પોતાની કોલેજ મેગેઝીન માટે રજનીકાંતનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. જે આ બંનેની પહેલી મુલાકાત હતી. લતા અને રજનીકાંત બંનેને પહેલી નજરે પ્રેમ થયો હતો. બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા.

સિનેમાજગતના સુપરસ્ટાર રજનીકાંતનુ આખુ નામ શિવાજીરાવ ગાયકવાડ છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર, 1950ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. તેમની માતા હાઉસવાઈફ અને પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા.

ભારત સરકારે રજનીકાંતને વર્ષ 2000માં પદ્મભૂષણથી નવાજ્યા હતા. FORBES ઈન્ડિયાએ 2010માં રજનીકાંતને ભારતના સૌથી પ્રભાવશાળી અને પ્રસિદ્ધ શખ્સિયતના લિસ્ટમાં સામેલ કર્યા હતા.

રજનીકાંતે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ 1984ના વર્ષમાં ‘નલ્લવમુકૂ નલ્લવં’ ફિલ્મ માટે બેસ્ટ તમિલ એક્ટર માટે મેળવ્યો હતો.  રજનીકાંતને તમિલનાડુ સરકાર તરફથી 1984માં કલાઈમમણિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રજનીકાંતને બે દીકરીઓ છે. ઐશ્વર્યા અને સૌંદર્યા. મોટી દીકરી ઐશ્વર્યાએ સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે લગ્ન કર્યાં છે. રજનીકાંતની નાની દીકીર સૌંદર્યા સાઉથ ફિલ્મ પ્રોડ્યુસર છે અને તેના લગ્ન બિઝનેસમેન શિવન રાજકુમાર સાથે થયા છે.

(5:30 pm IST)