Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરનું પાત્ર ભજવનાર મયુર વાકાણી કોરોના સંક્રમિત

મુંબઈ શુટિંગ પૂર્ણ કરી અમદાવાદ આવ્યા: હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટ ચશ્મામાં સુંદરનો પાત્ર ભજવનાર મયુર વાકાણી કોરોના સંક્રમિત થયા છે. તેઓ મુંબઈ શુટિંગ પૂર્ણ કરી અમદાવાદ આવ્યા ત્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત બુધવારના દિવસે રાજયમાં કોરોનાના 650 થી વધારે કેસ સામે આવ્યા હતા અને અમદાવાદ શહેરમાં 141 નવા કેસ નોંધાયા હતા. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થઈ રહ્યો છે. પહેલા શહેરમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી કેસની સાથે કન્ટેઇન્મેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. શહેર ફરી કેસ વધવાને કારણે હોસ્પિટલે પણ પોતાની તૈયારી વધારી દીધી છે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ફેબ્રુઆરીના અંતથી શહેરમાં ફરી કોરોના કેસ વધવાની શરૂઆત થઈ છે.

(8:26 pm IST)