Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ટીવી પડદે કાવ્યા રામાણીનું ગુંજતુ નામ

'છોટી ભારતી સિંઘ' તરીકે ઓળખ બનાવીઃ અનેક ટીવી સિરીયલો અને રિયાલીટી શોમાં પ્રતિભા બતાવીને રાજકોટનું ગૌરવ વધાર્યુ

રાજકોટ, તા. ૧૧ :. બાળપણથી જ ટીવી પડદે ચમકવાના સપનાને રાજકોટની ૧૧ વર્ષની કાવ્યા રામાણીએ સાકાર કર્યા છે. રાજકોટના ડો. બીમલ રામાણી અને પારૂલ રામાણીની પુત્રી કાવ્યા સાડા ચાર વર્ષની હતી ત્યારથી જ બાળ કલાકાર તરીકે ટીવી પડદે ચમકી રહી છે. કાવ્યાને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે તેના માતા-પિતા ભરપૂર સપોર્ટ કરે છે.

સાડા ચાર વર્ષની ઉંમરે સૌ પ્રથમ બાલાજી ટેલીફિલ્મ્સની સિરીયલ પ્યાર કો હો જાને દો...માં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો ત્યાર બાદ કસમ, કવચ, નાગીન, કોમેડી શો છોટે મીંયા ધાકડ, એન્ટરટેઈન્મેન્ટ કી રાત, નીકલોડીયન એવોર્ડ સમારંભ, વિદ્યા વેબસીરીઝ, વિડીયો આલ્બમ સહિતમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે. આ ઉપરાંત પરમાવતાર શ્રી કૃષ્ણા સિરીયલમાં તેણે હેડંબાનો રોલ ભજવ્યો હતો. જ્યારે બીગ બોસ સેશન-૧૧, ૧૨, ૧૩માં અભિનયના ઓજસ પાથર્યા હતા. હાલમાં ઈશારા ચેનલ પર દર સોમવારથી શુક્રવાર સાંજે ૭ વાગ્યે અને રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થતી પાપ નાસીની ગંગા.. સિરીયલમાં ગંગાનું પાત્ર ભજવતી આકૃતિ શર્મા (કુલ્ફીકુમાર બાજેવાલા ફેઈમ)ની બહેનપણીનો રોલ ભજવી રહી છે. આ સિરીયલમાં તેના પાત્રનું નામ જયા છે. આ શો માં તેનો રોલ પૌરાણિક હોવાથી વસ્ત્રો અને આભૂષણો સાથે પાત્ર ભજવવા માટે તૈયારી કરવા લગભગ દોઢથી બે કલાકનો સમય લાગે છે. આ સિરીયલના ડીરેકટર મુકેશકુમાર સિંઘ છે. સિરીયલનું શૂટીંગ પરમાવતાર શ્રીકૃષ્ણા, અલાઉદ્દીન નામ તો સુના હોગા જેવી સિરીયલોનું શૂટીંગ જ્યાં થયુ છે તે પ્રોડકશન હાઉસ પેનીન શ્યુલા છે.

કાવ્યા રામાણી શૂટીંગની સાથોસાથ કલાસીકલ ડાન્સ કથ્થકની તૃતીય લેવલની પરીક્ષા આપી છે. અભ્યાસ માટે તે બુકસ પણ શૂટીંગના સ્થળે સાથે લઈ જાય છે અને સમય મળે ત્યારે વાંચન કરી લે છે. લોકડાઉનના સમયમાં તેણે કલાસીકલ ડાન્સ સોંગ ઘર મોરે પરદેશીયા ઉપર સેલ્ફ ઓડિયોગ્રાફી કરી છે. માધુરી દિક્ષીત અભિનીત ફિલ્મો ગીતો પર તેમણે ડાન્સ કર્યા છે. કાવ્યા રામાણી કી-બોર્ડ પણ વગાડે છે. હાલમાં કલાસીકલ સિંગીંગ શીખી રહી છે. લોકડાઉનમાં કાવ્યા રામાણીએ કોરોનાકાળમાં ઘરે રહો અને સલામત રહો વિષયક શોર્ટ કલીપ પણ બનાવી છે. મીમીક્રીમાં પણ કાવ્યા રામાણીએ કાંઠુ કાઢયુ છે. જેઠાલાલ, દયાભાભી, હંસા, પ્રફુલ સહિતનાની મીમીક્રી ખૂબ જ સુંદર રીતે કરે છે. યુ-ટયુબ ચેનલ પર કાવ્યાની દરેક પ્રતિભાના દર્શન થાય છે.

કાવ્યા રામાણીનો  મો. ૮૮૨૮૧ ૫૨૫૨૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(12:48 pm IST)