Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

લાગણીઓની અદ્દભુત ગુંથણી કરતી સંપુર્ણ પારિવારીક ફિલ્મ '૨૧મું ટિફિન' આજથી રિલીઝઃ મોઢા એટલા વખાણ

નિર્દેશક વિજયગીરી બાવાની ફિલ્મ જુદા જુદા ફિલ્મ ફેસ્ટીવલમાં પણ ધૂમ મચાવી ગુજરાતીઓનું ગોરવ વધારી ચુકી છેઃ પ્રિમિયરમાં ગુજરાતી, હિન્દી, મરાઠી ફિલ્મ અને નાટ્ય જગત, ટીવી જગતની હસ્તીઓ હાજર રહી : નિર્માતા, નિર્દેશકો, વિવેચકો, એકટર્સનો એક જ સુર...ગુજરાતી તરીકે, ભાષા પ્રેમી તરીકે અને સિનેમા પ્રેમી તરીકે આ ફિલ્મ જોવી જ જોઇએ : બહુ જ ઝીણવટપુર્વક કામ થયું છે, ડિરેકટર વિજયગીરી બાવાને ખુબ ખુબ અભિનંદન : અભિનેતા ફિરોઝ ઇરાની : 'આ ફિલ્મની ગુજરાતી સિનેમામાં એક નવો જ ઈતિહાસ રચશે...નિર્માતા કોૈસ્તુભ ત્રિવેદી : વર્ષો સુધી અને કદાચ જીવનભર પતિ, બાળકો અને સાસરિયા માટે પોતાની જાત, ઓળખ, ઈચ્છાઓ અને આવડતો ભૂંસીને જીવતી દરેક સ્ત્રીઓ માટે છે આ ફિલ્મ : દરેક ગુજરાતીઓને ગૌરવ થાય એવી સુંદર મજ્જાની ફિલ્મ છે ૨૧મું ટિફિન...અભિનેત્રી અલ્પના બુચ : ડિરેકટર વિજયગીરી બાવાએ દિલને સ્પર્શી જાય એવી સ્ટાઈલથી ફિલ્મ બનાવી છેઃ વિવેચક કોમલ નાહટા : ૫૦ વર્ષમાં હિંદુસ્તાનની કોઈ પણ ભાષામાં આટલી નાજુક, સરળ, ઋજુતા સાથે, આટલી સાદગી સાથે આવી અદભુત ફિલ્મ બની નથી આ મારું માનવું છે-અભિનેતા હિતેન કુમાર : આ ફિલ્મ હૃદય સોંસરવી નીકળી જાય છે. શું સુંદર વાર્તા, ડિરેકશન, લાજવાબ અભિનય-ગોપી દેસાઈ : આ ફિલ્મ આપણને સમજાવે છે કે તમારા જીવનમાં જે લોકો છે એની કદર કરવાનું, બે મીઠા વેણ કહેવાનો મોકો ચુકતા નહિ

રાજકોટ તા. ૧૦: જેની ખુબ જ ચર્ચા થઇ રહી હતી અને ટ્રેલરે ધૂમ મચાવી હતી તેમજ અનેક ફિલ્મ ફેસ્ટીવલમાં પણ જેના ધૂમ વખાણ થઇ ચુકયા છે એવી ગુજરાતીઓના ગોૈરવ સમાન ગુજરાતી ફિલ્મ '૨૧મું ટિફિન' આજે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મના અનેક અભિનેતા, અભિનેત્રીઓ, નિર્દેશકો, નિર્માતાઓ, ફિલ્મ વિવેચકોએ બેમોઢે વખાણ કર્યા છે. ગુજરાતી સિનેમામાં આ ફિલ્મ ઇતિહાસ રચશે તેવું કહેવાઇ રહ્યું છે. મુંબઇમાં સાતમીએ અને અમદાવાદમાં આઠમીએ આ ફિલ્મનો ભવ્ય પ્રિમિયર યોજાયો હતો. ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ તથા નાટ્યજગતના અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો આ પ્રિમિયરમાં સામેલ થયા હતાં.

નિર્દેશક વિજયગીરી બાવાની ફિલ્મ '૨૧મું ટિફિન' ભારત અને ભારતની બહારના અનેક મોટા ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની ચૂકી છે. ઘણા એવોર્ડ્સ અને કોમ્પ્લિમેન્ટસ મળી ચૂક્યા છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડકશન હાઉસની આ ફિલ્મ '૨૧મું ટિફિન' ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ગુજરાતીઓનું ગૌરવ બની ચૂકી છે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરી લિખિત અને ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મના રીવ્યુ બહુ રસપ્રદ છે. નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર અભિનિત આ ફિલ્મને વિવેચકો અને દર્શકો પ્રેમથી વધાવી રહ્યા છે. આવો, આ ફિલ્મ વિશેના થોડા અભિપ્રાયો જોઈએ.

'૨૧મું ટિફિન' ફિલ્મ રીલીઝ થઈ છે, અદભુત છે જોવી જ જોઈએ. માથે ઉપાડી લો....'-સંજય ગોરડિયા-(અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા)

'નિતાંત સુંદર અનુભૂતિ ફિલ્મનાં સ્વરૂપે. ૫૦ વર્ષમાં હિંદુસ્તાનની કોઈ પણ ભાષામાં આટલી નાજુક, સરળ, ઋજુતા સાથે, આટલી સાદગી  સાથે આવી અદભુત ફિલ્મ બની નથી આ મારું માનવું છે. ખૂબ પ્રમાણિક પણે અને આડંબર વિના કહેવાયેલી ઉત્તમ સિનેમા. મને વધારે શબ્દો નથી મળી રહ્યા But its an experience.''- અભિનેતા હિતેન કુમાર)

'ડિરેકટર વિજયગીરી બાવાએ દિલને સ્પર્શી જાય એવી સ્ટાઈલથી આ સિનેમા બનાવી છે. ગુજરાતીઓ અને બિનગુજરાતીઓએ પણ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ.' -કોમલ નાહટા (ફિલ્મ વિવેચક)

'ખૂબ સુંદર પર્ફોરમ્ન્સીસ, બહુ જ સરસ દિગ્દર્શન અને બહુ જ સુંદર લખાણ. મને ખાતરી છે કે હજું આ ફિલ્મ ઘણા એવોર્ડસ લઈ જશે.'-ઉમેશ શુકલ ( દિગ્દર્શક, નિર્માતા, લેખક)

'આ ફિલ્મની ગુજરાતી સિનેમામાં પોતાનો નવો ઈતિહાસ રચશે...બહુ જ સરસ બની છે, અનેક એવોર્ડસ મળવા જોઈએ.'-કૌસ્તુભ ત્રિવેદી ( નિર્માતા)

'બહુ જ સરળ સ્ટોરીટેલિંગ છે. રામ મોરીની વાર્તા અને વિજયગીરી બાવાનું ડિરેકશન બહુ જ સુંદર. નેચરલ છે અને સુંદર છે.'-માનસી પારેખ (અભિનેત્રી, નિર્માત્રી)

'દરેક ગુજરાતીઓને ગૌરવ થાય એવી સુંદર મજ્જાની ફિલ્મ છે ૨૧મું ટિફિન. વિજયગીરી બાવા અને રામ મોરી શું કહેવું...બહુ મજા આવી. આજે હું અહીં આવીને આ ફિલ્મ જોઈ શકી એનો મને ગર્વ છે.'-અલ્પના બુચ (અભિનેત્રી)

'બહુ જ ઝીણવટપૂર્વક કામ થયું છે આ ફિલ્મમાં. દરેક ડિપાર્ટમેન્ટમાં ડિટેઈલીંગ ઉડીને આંખે વળગે. ડિરેકટર વિજયગીરી બાવાને અભિનંદન.'-ફિરોઝ ઈરાની અભિનેતા)

'સુખ, દુખ, હરખ અને શોક....દરેક -કારની લાગણી આ ૨૧મું ટિફિન ફિલ્મના ડબ્બાઓમાં છે. ગુજરાતીઓ આ તમારી ફિલ્મ છે.'-અરવિંદ વેકરીયા

'જેણે ૨૧મું ટિફિન નથી જોયું એણે જીવનમાં જાણે કશું જોયું જ નથી. દરેક ગુજરાતીઓની પોતાની ફિલ્મ.'-ધર્મેશ વ્યાસ

'આ ફિલ્મ હૃદય સોંસરવી નીકળી જાય છે. શું સુંદર વાર્તા, ડિરેકશન અને લાજવાબ અભિનય.ગીત હજું પણ ગણગણ્યા જ કરુંં છું.'-ગોપી દેસાઈ

'મારી સ્વર્ગસ્થ બા મને આ ફિલ્મ જોઈને યાદ આવી ગઈ. આ ફિલ્મ કેટલી ઈમોશનલ છે છતાં કોઈ મેલોડ્રામા નથી. આટલી સરળ છતાં સુંદર ને ચોખ્ખી ફિલ્મો આજકાલ બને જ છે ક્યાં?-શ્રેયા દોશી (ફિલ્મ વિવેચક)

લગભગ દરેક ઉંમરનું ઓડિયન્સ આ ફિલ્મ નિહાળી રહ્યું હતું અને એ દરેક તરફથી ભાવનાત્મક સંદેશાઓ મળી રહ્યા છે. ફિલ્મના દરેક કિરદારોને લોકો પ્રેમ આપી રહ્યા છે.  લાગણીઓની અદભુત ગુંથણી કરતી, સંપૂર્ણ પરિવાર સાથે જોઈ શકાય એવી સંવેદનાત્મક ફિલ્મ છે ૨૧મું ટિફિન.

મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને નવી ઉંચાઈએ લઈ જાય છે અને દરેક ડિપાર્ટમેન્ટનું કામ ફિલ્મની વાતને સીધી દર્શકોના દિલ સુધી પહોંચાડે છે.  અહીં દર્શકોના હિબકા અને હરખ એક સમયે અનુભવવા મળે છે.

 વર્ષો સુધી અને કદાચ જીવનભર પતિ, બાળકો અને સાસરિયા માટે પોતાની જાત ઓળખ, ઈચ્છાઓ અને આવડતો ભૂંસીને જીવતી દરેક સ્ત્રીઓ માટે આ ફિલ્મ છે. આ ફિલ્મ આપણને સમજાવે છે કે તમારા જીવનમાં જે લોકો છે એની કદર કરવાનું, બે મીઠા વેણ કહેવાનો મોકો ચૂકતા નહીં.

ગુજરાત અને મુંબઈના થિએટર્સમાં આ ફિલ્મ રીલીઝ થઈ ચૂકી છે. ગુજરાતી તરીકે, ગુજરાતી ભાષાપ્રેમી તરીકે, સિનેમા પ્રેમી તરીકે આ ફિલ્મ પરિવાર સાથે અચૂક નિહાળવી જોઈએ કેમકે આ ફિલ્મ સંબંધો સાચવતા શીખવે છે, સંબંધોની કદર કરતાં શીખવે છે.

(11:03 am IST)