Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

૧ સપ્તાહમાં ૫ ફિલ્મોની રિલિઝ તારીખ પાછી ઠેલાઇ

કોરોનાએ ફરીથી ધુણવાનું શરૂ કરતા નવી ફિલ્મોની રિલીઝને ગ્રહણ : તારીખો પાછી ઠેલવાની પડી ફરજ

મુંબઇ તા. ૩ : ફિલ્મો જોવા માટે સીનેમાઘરમાં જવાવાળા દર્શકોને મોટા બેનરની હિન્દી ફિલ્મો માટે હવે લાંબી રાહ જોવી પડશે. કેમકે ફિલ્મ નિર્માતાઓએ મુખ્ય રાજ્યોમાં કોરોના મહામારીની બીજી લહેર શરૂ થવાના કારણે પોતાની ફિલ્મોની રિલીઝ હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉનની તૈયારી ચાલી રહી છે. જ્યારે પંજાબ, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા મુખ્ય રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસો સાથે કેટલાય પ્રકારના પ્રતિબંધો મુકાઇ રહ્યા છે.

ગયા એક અઠવાડિયામાં પાંચ ફિલ્મોની રીલીઝ મોકુફ રખાઇ છે. જેમાં 'ચેહરે' અને 'બંટી ઔર બબલી-૨' જેવી ફિલ્મો સામેલ છે. ચેહરેના મુખ્ય કલાકારોમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી જેવા કલાકારો છે. જ્યારે યશરાજ પ્રોડકશનની બંટી ઔર બબલી-૨માં સૈલી અલી ખાન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં છે. આ બંને ફિલ્મો એપ્રિલમાં રીલીઝ થવાની હતી.

અન્ય કેટલીક ફિલ્મોમાં તમિલ - તેલુગુ ફિલ્મ કાદાનનું હિન્દી વર્ઝન હાથી મેરે સાથી સામેલ છે. કાદાન ૨૬ માર્ચે દક્ષિણ ભારતની માર્કેટમાં રીલીઝ કરાઇ હતી. જો કે તેના હિન્દી વર્ઝનની રીલીઝની તારીખ જાહેર નથી કરાઇ કેમકે તેના નિર્માતા મુખ્ય ટેરીટરીમાં કોરોનાની સ્થિતિનું ધ્યાન રાખી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગના સૂત્રો અનુસાર રામ ગોપાલ વર્માની ડી કંપની અને પુઆદા નામની એક પંજાબી ફિલ્મ પણ હવે એપ્રિલમાં રીલીઝ નથી થવાની

મલ્ટીપ્લેકસ સંચાલકોને આશા છે કે રીલીઝ રોકવાની તારીખ મે સુધી ન ખેંચાય જ્યારે અક્ષય કુમાર અભિનીત સૂર્યવંશી, સલમાન અભિનીત રાધે સહિત કેટલીક મોટી ફિલ્મો રીલીઝ થવાની આશા છે. ફિલ્મી ધંધાના નિષ્ણાંતોનું કહેવું છે કે બંને ફિલ્મોની રીલીઝમાં એક વર્ષનું મોડું પહેલા જ થઇ ગયું છે અને તેમની રીલીઝની તારીખો લંબાવવાથી બોક્ષ ઓફિસ પર તેમના પ્રદર્શનની અસર પડી શકે છે. તેમનું કહેવું છે કે ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૧નું વર્ષ પણ સરળ નહીં હોય.

(10:59 am IST)