Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કૃષ્‍ણા રાજ કપૂરના પાર્થિવ શરીરના ચરણ સ્‍પર્શ કરીને અમિતાભ બચ્‍ચને વિદાય આપીઃ આલીયા ભટ્ટે રણબીર કપૂરને વીડિયો કોલ કરીને દાદીના અંતિમ દર્શન કરાવ્યા

હિન્દી સિનેમાના શોમેન ગણાતા રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરે ગઈકાલે સવારે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તે 87 વર્ષના હતા અને છેલ્લા એક વર્ષથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સવારે 5 વાગ્યે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયુ હતુ. કૃષ્ણાના અવસાનથી આખુ બોલિવુડ શોકમાં ડૂબી ગયુ છે.

બોલિવુડના તમામ દિગ્ગજ સ્ટાર્સ ચેમ્બુર સ્થિત ઘરમાં તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. તેમાં અમિતાભ બચ્ચન, કાજોલ, અનિલ કપૂર, કરિશ્મા કપૂર, સંજય દત્ત, રાકેશ રોન, સૈફઅલી ખાન, વરૂણ ધવન, સોનમ કપૂર, આલિયા ભટ્ટ અને રાણી મુખર્જીનો સમાવેશ થાય છે.

સાંજે લગભગ 5.30 વાગ્યે કૃષ્ણા રાજ કપૂરના પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં લગભગ બધા જ મોટા સ્ટાર્સ શામેલ હતા. અમિતાભ બચ્ચને તેમના ચરણસ્પર્શ કરી તેમને વિદાઈ આપી હતી. કરીના કપૂરના આંસુ સૂકાતા નહતા. કૃષ્ણાની પુત્રી રીમા જૈન પણ રડતી જોવા મળી હતી.

માતા કૃષ્ણાની અર્થી આગળ મોટા પુત્ર રણધીર કપૂર કળશ લઈને ચાલી રહ્યા હતા. કરીના પણ તેમની સાથે હતી. દુઃખદ વાત એ છે કે ઋષિ કપૂર પોતાની માતાના અંતિમ દર્શન કરી શક્યા નહતા. તેમની તબિયત લથડતા તે યુ.એસમાં સારવાર કરાવી રહ્યા છે. ઋષિની સાથે સાથે રણબીર અને નીતૂ કપૂર પણ અમેરિકા છે.

રણબીર કપૂર પોતાની દાદી કૃષ્ણાથી ઘણો ક્લોઝ હતો. તેને દાદીને અંતિમ વિદાઈ ન આપી શકવાનો કાયમી અફસોસ રહી જશે. રણબીર તો નહિં પણ તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કૃષ્ણા રાજ કપૂરના અંતિમ સંસ્કારમાં શામેલ થઈ હતી. તેણે રણવીરને વીડિયો કોલ કરાવી દાદીના અંતિમ દર્શન કરાવ્યા હતા. તે રણબીરની બહેન રિદ્ધિમાને પણ સહાનુભૂતિ આપતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે 1946માં કૃષ્ણાએ રાજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમનું અસલી નામ કૃષ્ણા મલહોત્રા હતુ અને તે રાજ કપૂરના કઝિન હતા. કૃષ્ણાના પિતા રાજ કપૂરના પિતા પૃથ્વી રાજ કપૂરના કઝિન હતા. 1988માં રાજ કપૂરના મૃત્યુ બાદ કૃષ્ણાએ જ પરિવારને એક તાંતણે બાંધી રાખ્યું હતુ.

(5:19 pm IST)