Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

હેમંત ચૌહાણ રંગાઇ ગયા રંગમાં,જન્મદિન તણી શુભેચ્છાના સંગમાં

રાજકોટ તા. ૭:પંખીડાઓ પંખીડા, તુ ઉડી જાજે પાવાગઢ રે.., તું રંગાઇ જાને રંગમાં... જેવા લોકજીભે ચડેલા ગુજરાતી ભજન અને ગીતો ગાનારા ભજનીક હેમંત ચૌહાણે ૭ નવેમ્બરે ૬૪ વર્ષ પૂર્ણ કર્યા છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે, હેમંત ચૌહાણ આરટીઓમાં કલાર્કની નોકરી કરતા હતાં. પરંતુ વારસામાં મળેલી ગાયકીમાં સરકારી નોકરી વિઘ્ન બનતા તેણે નોકરી પણ છોડી દીધી હતી. મૂળ જસદણના વતની છે  ત્રંબામાં માધ્યમિક શિક્ષણ લઇ રાજકોટમાં અર્થશાસ્ત્ર સાથે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે સમયે આરટીઓમાં સરકારી નોકરી મળી હતી.ઙ્ગહેમંતભાઇ પાંચ વર્ષની ઉંમરે ભજન ગાતા થઇ ગયા હતાં. તેમના પિતા રાજાભાઇ એક સારા ભજનીક હતા. દાદા તો મહાભારત અને રામાયણના ઉપાષક હતા.

       ૧૯૭૬ની સાલમાં રેડિયોની પરીક્ષા પાસ કરી આકાશવાણીમાં ભજન ગાવાનો મોકો મળ્યો હતો. અત્યાર સુધીમાં ૯ હજાર જેટલા ભકિતસંગીતની રચનાઓ પ્રસારિત થઇ ગઇ છે. અમેરિકા, લંડન, કેનેડા સહિત ૨૬ જેટલા દેશમાં પોતાના સ્વરને રમતો મુકયો છે. ૫ હજારથી વધારે સ્ટેજ પ્રોગ્રામ આપ્યા છે. ૧૯૮૭માં કેસર ચંદન ફિલ્મમાં ઝણણ ઝણણ જાલર વાગે...અને ૧૯૯૫માં પંખીડા ગીતમાં ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મેળવી ચુકયા છે. સંગીત ભૂષણથી લઇ અનેક પુરસ્કાર તેમણે મેળવ્યા છે. અકાદમી એવોર્ડ ૨૦૧૨ બ્રિટીશ પાર્લામેન્ટ લંડન સંગીત ભૂષણ એવોર્ડ ૨૦૧૫, ગુજરાત ગૌરવ પુરસ્કાર, ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા એ ગ્રેડ સન્માન અને બેસ્ટ પ્લે બેક સિંગર એવોર્ડ પણ મેળવી ચૂકયા છે.

(12:14 pm IST)