Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પોરબંદરમાં નગરપાલિકાના જૂના બિલ્‍ડીંગની મરામત કરીને ધર્મશાળા બનાવવા માંગણી

શહેરમાં એક પણ ધર્મશાળા ન હોય યાત્રિકો હેરાનઃ કોંગેસ દ્વારા રજુઆત

પોરબંદર તા.૨૬: નગરપાલિકાના જૂના બિલ્‍ડીંગનું સમારકામ કરી ધર્મશાળા  તરીકે ઉપયોગ કરવા અને શહેરમાં એક પણ ધર્મશાળા નહી હોવાથી બહારથી આવતા યાત્રાળુઓ થાય છે હેરાન પરેશાન થતા હોવાનું કોંગ્રેસ દ્વારા રાજય સરકારને રજુઆત કરવામાં આવી હતી.

પ્રદેશ કોગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડીયાએ રાજય સરકારને રજુઆતમાં જણાવ્‍યું છે કે વર્ષોથી શીતલાચોક અને કીર્તિમંદિર વચ્‍ચેના ભાગે  મુખ્‍ય રસ્‍તા પર નગરપાલિકાનું બિલ્‍ડીંગ કાર્યરત હતું. જયાં અંદાજે  ૩૦ જેટલા રૂમ આવેલા છે. આ બિલ્‍ડીંગ જર્જરીત બની જતા તેનું સમારકામ  કરવાને બદલે નગરપાલિકાની નવી કચેરી રેલ્‍વે સ્‍ટેશન પાસે બનાવવામાં આવી છે અને ત્‍યાં તેનું સ્‍થળાંતર કરી દેવાયા બાદ જુનું બિલ્‍ડીંગ  બિનઉપયોગી  બની ગયું છે.. બીજી બાજુ પોરબંદર શહેરમાં દરરોજ હજારો પ્રવાસીઓ અને યાત્રાળુઓ બહારથી ફરવા માટે અને ગાંધી-સુદામાની નગરીને નિહાળવા માટે આવે છે. પરંતુ એકપણ ધર્મશાળા નહીં હોવાથી  ગરીબ અને મધ્‍યમવર્ગના યાત્રાળુઓ રાતવાસો કરી શકતા નથી અને ઘણી વખત રોકડીયા હનુમાન મંદિર સહીત હાઇવે ઉપર પણ આશરો લેતા નજરે ચડે છે. જુનુ બિલ્‍ડીંગ  ધર્મશાળા તરીકે યાત્રાળુઓની સુવિધા માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી માંગણી રામદેવભાઇ મોઢવાડીયાએ રજુઆત સાથે કરી છે.

(11:52 am IST)