Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

અમરેલીમાં રાત્રે ગાજવીજ સાથે માવઠુ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધૂપ-છાંવ

સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ : જો કે ગરમીમાં રાહત : વાદળા આછા થતાં ખેડૂતોની ચિંતા ઘટી

રાજકોટ તા. ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગઇકાલે અચાનક હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હતો અને અનેક વિસ્‍તારોમાં ઝરમર છાંટા પડયા હતા.રાત્રીના અમરેલીમાં ગાજવીજ સાથે માવઠુ વરસ્‍યું હતું.
આજે સવારથી વાદળા વિખેરાયા છે અને ધુપ-છાંવનો માહોલ છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીમાં કાલે રાત્રીના ૨ વાગ્‍યે ગાજવીજ સાથે માવઠુ વરસ્‍યું હતું અને સવારે ૭ વાગ્‍યે રસ્‍તા ભીના થઇ જાય તેવા છાંટા પડયા હતા. જો કે ૯ વાગ્‍યાથી તડકો નીકળ્‍યો હતો.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ સહિત સોરઠમાં આજે સતત બીજા દિવસે પણ આકાશમાં ચિંતાના વાદળા સવારથી ઘેરાયા છે.
કમોસમી વરસાદની આગાહીના પગલે સોરઠમાં ગઇકાલે વાતાવરણમાં આવેલો પલ્‍ટો આજે પણ યથાવત રહ્યો છે.
જો કે ગઇકાલે જૂનાગઢ સહિતના વિસ્‍તારોમાં છાંટા વરસ્‍યા હતા પરંતુ આજે છાંટા નહિ માત્ર આકાશ ગોરંભાયેલું હોવાથી સાંજ સુધીમાં માવઠુ થવાની શક્‍યતા નકારી શકાતી નથી.
દરમિયાન સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને પવનની ઝડપ ૬ કિમીની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭.૫ મહત્તમ, ૨૫.૬ લઘુત્તમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મોરબીના માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં આવતીકાલે તા.ᅠ૨૧ના રોજ અનાજ વિભાગમાં રજા રાખવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત તથા સારાષ્ટ્રના કેટલાક વિસ્‍તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના કારણે મોરબી શહેર અને જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું છે જેને પગલે મોરબીᅠ માર્કેટિંગ યાદ દ્વારા તા.૨૧ ના રોજ અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવેલ છે. તો ખેડૂતોને યાર્ડમાં માલ લઇને ન આવવા સુચના આપવામાં આવેલ છે. જેની જનરલ કમિશન એજન્‍ટો,ᅠવેપારીઓ તથા ખેડૂતોને ઇન્‍ચાર્જ સેક્રેટરી,ᅠખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ,ᅠમોરબીની યાદીમાં જાણ કરવામાં આવેલ છે.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીનાં પગલે મગફળી તથા ડુંગળીની આવક બે દિવસ માટે બંધ કરાઇ છે.
અન્‍ય જણસીઓની હરરાજી શેડમાં થતી હોય તેની આવક ચાલુ રખાઇ છે. વરસાદની આગાહી હોય નુકશાન ના થાય તે માટે અગમચેતીરૂપ પગલા લેવાયાનુ યાર્ડ દ્વારા જણાવાયું છે.

 

(11:17 am IST)