Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જામવણથલીમાં નીતિન પરમારને આપઘાત કરવા મજબુર કરનાર ર શખ્સોના રિમાન્ડની તજવીજ

દોઢ વર્ષ પહેલા કરેલી ફરીયાદનું મનદુઃખ રાખીને કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા અને મયુરસિંહ ભરતસિંહ જાડેજાની સામે ગુન્હો નોંધી રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧: જામનગર જીલ્લાના જામવણથલીમાં નીતિન જયંતીભાઇ પરમારે માથાભારે શખ્સોના ત્રાસથી ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લેતા પોલીસે જામવણથલીના કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા અને મયુરસિંહ ભરતસિંહ જાડેજા સામે ગુન્હો નોંધીને તેમની અટકાયત કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધૂળેટીના દિવસે નીતિન જયંતિભાઇ પરમારે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ  બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરીને હડધૂત કરવા અંગે જામવણથલી ગામના માથાભારે શખ્સ કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા, અને મયુરસિંહ ભરતસિંહ જાડેજા સામે એટ્રોસીટી એકટની કલમ તેમજ આપઘાત કરવા માટે મજબુર કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

દરમિયાન પંચકોશી એ-ડીવીઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને તેઓ પાસેથી રૃપિયા ૬પ હજારના કિંમતના ર મોબાઇલ ફોન કબ્જે કરી લીધા હતા. અને રેલ્વે પોલીસને સુપરત કરી દેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાનને અગાઉ બે આરોપીઓ સાથે તકરાર થઇ હતી.

દોઢ વર્ષ પહેલા બંને સામે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદનુ઼ મનદુઃખ રાખીને બન્ને આરોપીઓ અવારનવાર ત્રાસ ગુજારતા હતા. જેઓના ત્રાસથી કંટાળી જઇ યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકી દઇ પોતાનો જીવ દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે રાજકોટ રેલ્વે પોલીસ તપાસ ચલાવે છે.

(2:01 pm IST)