Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ખંભાળિયા નજીક કાળા પથ્‍થરની ખાણમાં ડૂબી જતા રાણાવાવના શ્રમિક યુવાનનું મૃત્‍યુ

જામખંભાળિયા,તા. ૨૧ : ધરમપુર વિસ્‍તારમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીથી થોડે દૂર એક આવેલી એક કાળા પથ્‍થરની ખાણમાં એક યુવાન ડૂબી ગયો હોવાનું સ્‍થાનિકો દ્વારા ફાયર વિભાગને જણાવવામાં આવ્‍યું હતું. આના અનુસંધાને જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્‍ટાફ દ્વારા ઘટના સ્‍થળે દોડી જઈ  યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો લાગ્‍યો ન હતો.

બાદમાં ગઈકાલે રવિવારે સવારથી પુનઃ ફાયરના જવાનોએ ઘટના સ્‍થળે શોધખોળનો પ્રારંભ કરાતા આ પાણીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્‍યો હતો. નાથાભાઈ માધાભાઈ પરમાર નામનો આ યુવાન રાણાવાવ ખાતે રહેતો હોવાનું અને તે અહીં મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્‍યું છે. જોકે આ બનવા અંગે મૃતકના સંબંધીઓ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી નથી.

આર્થિક સંકળામણના કારણે પ્રૌઢે જિંદયી ટૂંકાવી

બંગલા વાડી વિસ્‍તારમાં ટેલિફોન એક્‍સચેન્‍જ પાસે રહેતા ભરતભાઈ જાદવભાઈ પાણખાણીયા નામના આશરે ૬૧ વર્ષિય પ્રૌઢે સવજીભાઈ નામના તેમના મિત્રને હાથ ઉછીની રોકડ રકમ આપી હતી. લાંબા સમયથી ભરતભાઈ દ્વારા તેમના મિત્ર પાસે પૈસાની ઉઘરાણી કરવા છતાં તેની પાસે પૈસા આવવાની શક્‍યતા ન જણાતા આ પરિસ્‍થિતિમાં અસ્‍વસ્‍થ બની ગયેલા ભરતભાઈ પાણખાણીયાએ શનિવારે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર સંદીપભાઈ ભરતભાઈ પાણખાણીયાએ અહીંની પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. જેથી પોલીસે ધોરણસર તપાસ હાથ ધરી છે.

ખજુરીયા ગામે બંધ ટ્રકમાં આગ

તાલુકાના ખજુરીયા ગામે ગઈકાલે રવિવારે સવારે આ વિસ્‍તારના ફાટક પાસે બંધ પડેલા એક ટ્રકમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી ગઈ હતી. આ બનાવ બનતા આસપાસના રહીશો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને આ બનાવની જાણ ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારને કરવામાં આવી હતી. જેના અનુસંધાને સ્‍ટાફના જવાનો તાકીદે ખજુરીયા ગામે સળગતા ટ્રક પાસે દોડી ગયા હતા અને પાણીનો અવિરત રીતે મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી.

દ્વારકા જિલ્લામાં હથિયાર બંધી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનિય બનાવો બનવા ન પામે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ કે.એમ.જાની દ્વારા એક હુકમ પ્રસિધ્‍ધ કરી, જિલ્લામાં તા.૧૫ એપ્રિલ સુધી આ મુજબના કૃત્‍યો જેવા કે શષા, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શષાો અને ક્ષયકારી કે સ્‍ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્‍ય, તેના શબ કે અન્‍ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્‍થરો ફેકી શકય તેવી બીજી વસ્‍તુઓ અથવા વસ્‍તુઓ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા ઉપર જિલ્લાના સમગ્ર વિસ્‍તારોમાં પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

(1:01 pm IST)