Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જુનાગઢ જિલ્લામાં રૂા. ૧૦ કરોડના ખર્ચે સુજલામ-સુફલામ યોજનાના રર૧ જળ સંગ્રહના કામો થશે

૧.પ કિ.મી.માં પથરાયેલ કણજણીના તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ

જૂનાગઢ તા.ર૧:  વંથલી તાલુકાના કણજણી ગામના સીમ વિસ્‍તારમાં ૧.૫ કી.મી જેટલા વિસ્‍તારમાં પથરાયેલ તળાવને ઊંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજના અંર્તગત જૂનાગઢ જિલ્લામાં કુલ રૂ.૧૦ કરોડના ખર્ચે ૨૨૧ જળસંગ્રહના કામો હાથ ધરાશે. જેનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષમીબેન મૈતર અને પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી વંદનાબેન મકવાણાએ કણજણીથી કરાવ્‍યો હતો.

૧૦ એસસીએફટીની જળસંગ્રહ ક્ષમતા ધરાવતા કણજણીના તળાવની સુજલામ -સુફલામ યોજના દ્રવારા જળ સંગ્રહ ક્ષમતા ડબલ કરાશે. જેનાથી કણજડી ઉપરાંત, થાણાપીપળી, લુશાળા, મોટા-કાજલીયાળાના ૧૮૦૦ થી વધુ ખુડૂત ખાતેદારોને સીધી અને આડકતરી રીતે સિંચાઇના પણીનો લાભ મળશે.

ઉપરાંત આ તળાવને ઊંડુ પહોળું કરવાથી  જે માટી, કાંપ અને મોરમ નીકળશે તે ખેડૂતો પોતાના ખેતરમાં પાથરશે જેનાથી ખેડુતોની જમીન ફળદ્રુપ થશે. આ કામમાં આશરે ૧૨,૫૦૦ ઘન મીટર માટીનું ડિસીલ્‍ટીંગ કરવાનું આયોજન છે. આ કામ મે-૨૦૨૨ માં પૂર્ણ કરાશે. સરકાર દ્વારા ૬૦-૪૦ ના ધોરણે આ કામ થશે સરકારશ્રી ૬૦ ટકા ખર્ચ આપશે અને ૪૦ ટકા લોકભાગીદારી રહેશે.

કળજણી ખાતે સુજલામ-સુફલામ યોજનાના પ્રારંભે કેશોદના પૂર્વ ધારાસભ્‍યશ્રી અરવીંદભાઇ લાડાણી અને જિલ્લા સહકારી બેંકના ડિરેક્‍ટરશ્રી દિનેશભાઇ ખટારીયાએ  ઉદ્દઘોધન  કર્યુ હતુ. આ પ્રસંગે કેશોદના પૂર્વ ધારાસભ્‍ય સામતભાઇ રાઠોડ, અધિક નિવાસી કલેકટર એલ.બી.બાંભણીયા, ડી.આર.ડી.એ. નિયામકશ્રી આર.જે. જાડેજા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતીના ચેરમેન અતુલભાઇ ધોડાસરા, અગ્રણી કેશુભાઇ મૈતર, વિજયભાઇ મૈતર આ યોજનાના નોંઠલ અધિકારી એચ.કે.ઉકાણી તેમજ ખેડૂતો ઉપસ્‍થીત રહ્યા હતાં.કાર્યક્રમના પ્રારંભે કાર્યપાલક ઇજનેર જે.વી.ડાભીએ સૌનુ સ્‍વાગત કરવા સાથે યોજનાની રૂપરેખા આપી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર મૌલીક મહેતાએ આભારવિધિ અને કાર્યક્રમનું સંચાલન વિપુલ જીલડીયાએ કર્યું હતું.

સુજલામ - સુફલામ યોજના તળે જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સિંચાઇ યોજના વિભાગ, જૂનાગઢ સિંચાઇ વિભાગ, પંચાયત સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ શહેરી વિસ્‍તારોમાં કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા જળસંગ્રહના કામ હાથ ધરાશે.

(12:51 pm IST)