Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

અપહરણની ઘટનાએ મને વધુ મજબુત બનાવ્‍યોઃ રિઝવાન આડતીયા

આફ્રિકામાં ગયા વર્ષે અપહરણ બાદ રર દિવસ લાપતા રહેલ રિઝવાન આડતીયાએ પોરબંદર આવીને દિલ ખોલીને વાતો કરીઃ સંવાદ કાર્યક્રમ યોજાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: પોરબંદરના પનોતા પુત્ર ગણાતા દાતા અને યુવા ઉદ્યોગ સાહસિક રિઝવાન આડતીયાનું ગયા વર્ષે આફ્રિકામાં અપહરણ થયેલ અને રિઝવાન આડતીયાનો રર વર્ષે છુટકારો થયેલ ત્‍યાર પછી બે વર્ષે પોરબંદર આવેલ રિઝવાન આડતીયાએ જેસીઆઇ દ્વારા આયોજીત સંવાદ કાર્યક્રમમાં દીલ ખોલીને વાતો કરી હતી. રીઝવન આડતીયાએ પોતાના એક વર્ષ પહેલા અપહરણ વિશે જણાવેલ કે મારી સાથે અપહરણની ઘટનાએ મને વધુ મજબુત બનાવ્‍યો છે અને કપરા સમયમાં હુંફ આપનારા પોરબંદરની જનતાનો આભાર માન્‍યો હતો.

યુવા ઉધોગ સાહસિક રિઝવાન આડતીયા બે વર્ષ પછી આફ્રિકાથી એક દિવસ માટે પોરબંદર આવ્‍યા હતા, ત્‍યારે જેસીઆઈ પોરબંદર દ્વારા રિઝવાન આડતીયા સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં રિઝવાન આડતીયાએ જણાવેલ કે અપહરણ સમયે પોરબંદરની સામાજિક સંસ્‍થાઓ, સામાજિક અને રાજકીય આગેવાનો તથા જનતાએ રિઝવાનભાઈની સલામતિ માટે પ્રાર્થનાઓ, વિવિધ પ્રકારની માનતાઓ કરી હતી અને સરકારમાં રજૂઆતો કરી લાગણી દર્શાવી હતી  અને સંકટ સમયમાં હૂંફ આપીને આભાર માની અને આ ઘટનાએ એમને જીવનમાં વધુ મજબૂત બનાવ્‍યાનો ભાવ પણ તેઓએ વ્‍યક્‍ત કર્યો હતો. 

પોરબંદરના એક સાવ ગરીબ પરિવારમાં જન્‍મી અને માત્ર ૯ ધોરણ સુધી અભ્‍યાસ કરનાર રિઝવાન આડતીયા અનેક સંઘર્ષના પડાવ પાર કરી સફળ બિઝનેસમેન અને વૈશ્વિક દાતા બન્‍યા છે, ત્‍યારે તેના જીવનની સંઘર્ષ ગાથા દર્શાવતી ‘રિઝવાન' ફિલ્‍મ  પ્રસિદ્ધ થઈ છે. મુશ્‍કેલીઓના સમયમાં નાસીપાસ થતા લોકો માટે સંઘર્ષની પાછળ સફળતા છુપાયેલી છે તેવો આ ફિલ્‍મના માધ્‍યમથી સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. એટલે બાળકો અને તમામ લોકોને રિઝવાન ફિલ્‍મ જોવા અપીલ કરવામાં આવી હતી.

જેસીઆઈ પોરબંદર દ્વારા ‘રિઝવાન આડતીયા સાથે સંવાદ' કાર્યક્રમનના વિવિધ સંસ્‍થાઓના પ્રમુખો અને પ્રતિનિધિઓ તથા અર્જૂનભાઈ મોઢવાડીયા, સામતભાઈ ઓડેદરા, ડીવાયએસપી અરભમભાઈ ગોઢાણીયા, હિરલબા જાડેજા, અનિલભાઈ કારીયા, જીજ્ઞેશભાઈ કારીયા, પદુભાઈ રાયચુરા વગેરે હાજર રહ્યા હતા.

(12:47 pm IST)