Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

સુરેન્‍દ્રનગરમાં અઢી લાખની ઉઠાંતરી કર્યાની મોરબી પોલીસે ઝડપેલા ટાબરીયાની કબૂલાત

વઢવાણ,તા. ૨૧ : સુરેન્‍દ્રનગરની ઉમીયા સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય અલ્‍પેશભાઈ લક્ષ્મણભાઈ મેણીયા હાલ કચ્‍છના ગાંધીધામના સેકટર-૫માં આવેલી સથવારા કોલોનીમાં રહી કેટરીંગનો વ્‍યવસાય કરે છે. તેમના કાકા પ્રેમજીભાઈ ઈશ્વરભાઈ મેણીયાને ત્‍યાં માતાજીના હવનનો પ્રસંગ હોય તેઓ સુરેન્‍દ્રનગર આવ્‍યા હતા. જયારે મીત્રો નીલેશપુરી લક્ષ્મણપુરી ગોસ્‍વામી તથા જયેશભાઈ મનસુખભાઈ ગોહીલ સાથે ખરીદી કરવા નીકળ્‍યા હતા. ક્રેટા કારમાં તેઓ સુરેન્‍દ્રનગરના મુખ્‍ય રસ્‍તા પર આવેલી રાજેશ સમોસા હાઉસમાં નાસ્‍તો કરવા ગયા હતા. જેમાં કાકાને ત્‍યાં પ્રસંગમાં જરૂર પડે તો પૈસા આપવા માટે તેઓ કચ્‍છથી રૂપીયા ૨.૫૦ લાખ લઈને આવ્‍યા હતા અને કારની પાછળની સીટમાં મુકયા હતા. નાસ્‍તો કરવા જતા તેઓ કારને લોક કરવાનું ભુલી ગયા હતા અને કારમાંથી કોઈ રૂપીયા ૨.૫૦ લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરીને લઈ ગયુ હતુ. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ પણ નોંધાઈ હતી. આ દરમીયાન મોરબી પોલીસે રૂપીયા ૧૫ લાખની ઉઠાંતરી કેસમાં એક ૧૨ વર્ષના ટાબરીયા સહીત ૩ શખ્‍સોને ઝડપ્‍યા હતા.

આ શખ્‍સોએ મોરબીની સાથે સુરેન્‍દ્રનગરમાં પણ ચોરીને અંજામ આપ્‍યો હોવાની વાતની કબુલાત કરી હતી. આથી સુરેન્‍દ્રનગર એ ડીવીઝન પીએસઆઈ વી.પી.મલ્‍હોત્રા, વિજયસીંહ ખેર સહીતનાઓએ મોરબી પોલીસ પાસેથી કબજો મેળવી ૧૨ વર્ષનો ટાબરીયો, તામીલનાડુના તીરૂપરના એમ.એસ.નગરમાં રહેતા ૫૦ વર્ષીય સુબ્રમણ્‍યમ સુંગ્‍યાન નાયડુ અને તામીલનાડુના ત્રીચાપ્‍પાલીના તીરૂવેરૂપુલમાં રહેતા ૨૦ વર્ષીય જયગણેશ સુબ્રમણ્‍યમ નાયડુની ધરપકડ કરી હતી. જયારે ૧૨ વર્ષના ટાબરીયાને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવ્‍યો હતો. ઝડપાયેલા આ બન્ને શખ્‍સોને શનીવારે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રીમાન્‍ડ મંજુર કર્યા છે. બન્ને આરોપીના રીમાન્‍ડ દરમીયાન નાણાની ઉઠાંતરીની વધુ વિગતો બહાર આવે તેવી પોલીસ શકયતા સેવી રહી છે.

(4:51 pm IST)